-પાક.માં શાંતિ વાટાઘાટ વચ્ચે ટ્રમ્પનું એલાન : હોર્મુઝની સફાઈ શરૂ
નવી દિલ્હી, તા.11: પાકિસ્તાનમાં
ઈરાન સાથે ચાલતી શાંતિ સમજૂતી માટેની વાટાઘાટ વચ્ચે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે આજે એક મોટું એલાન કરતાં કહ્યું હતું કે, અમેરિકાનાં સૈન્ય દળોએ સ્ટ્રેટ ઓફ
હોર્મુઝમાંથી બારુદી સુરંગની સફાઈ શરૂ કરી
દીધી છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ઈરાનનાં
તમામ 28 માઈન ડ્રોપર જહાજોને ડૂબાડી નાખવામાં આવ્યા છે અને હવે તે સમુદ્રનાં તળિયામાં
પડયા છે. તેમણે આગળ એવો દાવો પણ કર્યો હતો કે, ઈરાનની નૌસેના અને વાયુસેનાને નષ્ટ કરી
નાખવામાં આવી છે સાથોસાથ તેનાં બેલિસ્ટિક મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમને પણ ગંભીર ક્ષતિ
પહોંચાડવામાં આવી છે.
દરમિયાન ઈરાનમાં સરકારી ટીવી
ચેનલે અમેરિકી સૈન્ય જહાજોને 30 મિનિટમાં હુમલાની ચેતવણી આપવામાં આવી હતી. પ્રાપ્ત
અહેવાલો અનુસાર આજે અમેરિકાનાં અનેક નૌસેના જહાજોએ હોર્મુઝ પાર કરવાની કોશિશ કરી હતી
અને આ યુદ્ધ શરૂ થયા બાદ આવું પહેલીવાર બન્યું છે. એવું પણ બિનસત્તાવાર અહેવાલોમાં
જાણવા મળે છે કે, આ ઘટના બાદ ઈરાને મધ્યસ્થી પાકિસ્તાન દ્વારા અમેરિકાને ચેતવણી આપવામાં
આવી હતી અને ત્યારબાદ અમેરિકી જહાજ પરત ફરી ગયા હતાં.