પોરબંદર,તા.11:પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી ભારતીય વિદ્યાલયવાળી ગલીમાં રહેતા એક વૃદ્ધ લોહાણા દંપતીએ બીમારી અને અસહ્ય શારીરિક પીડાથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી છે. 80 વર્ષીય છોટાલાલ નારણદાસ રાયચુરા અને તેમના 78 વર્ષીય પત્ની સવિતાબેન રાયચુરાએ અનાજમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર લોહાણા જ્ઞાતિ અને સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ઘટનાની
વિગત મુજબ, આ વૃદ્ધ દંપતીની ચારેય પુત્રીઓ સાસરે છે. જામખંભાળિયા રહેતી તેમની પુત્રી
આશાબેન કોટેચા માતા-પિતાની સારસંભાળ રાખવા માટે ગત 9 એપ્રિલના રોજ પોરબંદર આવી હતી.
શનિવારે સવારે 7 વાગ્યાની આસપાસ જ્યારે આશાબેન ઉપરના માળેથી નીચે ઉતર્યા ત્યારે માતા-પિતાને
ઉલ્ટી-ઉબકા કરતા જોયા હતા. પૂછપરછ દરમિયાન દંપતીએ કબૂલાત કરી હતી કે સતત બીમારી અને
શરીરના દુખાવાથી કંટાળીને તેઓએ જાતે જ ઝેરી ટીકડા ખાઈ લીધા છે.
બનાવની
જાણ થતા જ તાત્કાલિક 108 મારફતે દંપતીને સારવાર અર્થે સરકારી ભાવાસિંહજી હોસ્પિટલ ખાતે
ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં દોઢ કલાકની ટૂંકી સારવાર બાદ બંનેનું કરૂણ
મૃત્યુ નીપજ્યું હતું. કમલાબાગ પોલીસે આ મામલે પુત્રી આશાબેનની કેફિયત નોંધી અકસ્માતે
મોતનો ગુનો દાખલ કર્યો છે અને બંને મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાયદેસરની તપાસ
હાથ ધરી છે.