• સોમવાર, 13 એપ્રિલ, 2026

પંજાબે લગાડી જીતની હેટ્રીક : હૈદરાબાદને હરાવ્યું

- અય્યર, પ્રિયાંશ અને પ્રભસિમરનની અર્ધસદીની મદદથી 220નો સ્કોર ચેઝ કર્યો : અભિષેકની તોફાની ઈનિંગ એળે

 

નવી દિલ્હી, તા. 11 : પંજાબ કિંગ્સે આઈપીએલ 2026મા જીતની હેટ્રીક લગાડી છે. પંજાબે શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 220 રનનો ટાર્ગેટ ચેઝ કરતા છ વિકેટે જીત મેળવી હતી. આ પંજાબ દ્વારા ચેઝ કરવામાં આવેલો બીજો સૌથી મોટો ટાર્ગેટ છે.

મુલ્લાપુર મેદાન ઉપર કેપ્ટન શ્રેયસ અય્યર સહિત ત્રણ ખેલાડીઓએ પંજાબ માટે અર્ધસદી કરી હતી. અય્યર 69 રને નોટઆઉટ રહ્યો હતો. આ ઉપરાંત પ્રિયાંશે 20 બોલમાં 57 અને પ્રભસિમરને 25 બોલમાં 51 રન કરીને ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી.

બન્નેએ પહેલી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. બાદમાં અય્યરે નેહલ વઢેરા સાથે મોરચો સંભાળ્યો હતો અને ચોથી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં શશાંક સિંહ સાથે 26 રન જોડીને પંજાબને જીત અપાવી હતી. શશાંક સિંહ પણ 14 રને નોટઆઉટ રહ્યો હતો.

આ પહેલા હૈદરાબાદે ટોસ ગુમાવ્યા બાદ નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 219 રન કર્યા હતા. એસઆરએચ માટે ઓપનર અભિષેક શર્માએ કમાલની ઈનિંગ રમી હતી. તેણે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 74 રન કર્યા હતા. તેણે ટ્રેવિસ હેડ સાથે મળીને 120 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ઉપરાંત હેનરિક ક્લાસેને 33 બોલમાં 39 રન કર્યા હતા. ઈશાન કિશને 17 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું.

અનિકેત વર્મા 9 બોલમાં 18 રન કરીને રનઆઉટ થયો હતો. પંજાબ માટે અર્શદીપ અને શશાંકે 2-2 વિકેટ લીધી હતી જ્યારે જેવિયર બાર્ટલેટે એક શિકાર કર્યો હતો.  આ મેચમાં કુલ 29 સિક્સર અને 31 ચોગ્ગા લાગ્યા હતા. આ રીતે 299 જેટલા રન તો મેચ દરમિયાન બાઉન્ડ્રીઝથી થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક