• શનિવાર, 11 એપ્રિલ, 2026

નવા ફિનિશર મુકુલ ચૌધરીનો આદર્શ ધોની

રાજસ્થાનનો 21 વર્ષીય ખેલાડી રોજના 100-150 છક્કાનો અભ્યાસ કરે છે

કોલકતા, તા.10: આઇપીએલ-2026 સીઝનના ત્રીજા સપ્તાહમાં એક નવો ફિનિશર ઉભરી આવ્યો છે. આ ફિનિશરનું નામ છે. મુકુલ ચૌધરી. રાજસ્થાનના 21 વર્ષીય આ અનકેપ્ડ વિકેટકીપર-બેટ્સમેને ગઇકાલના મેચમાં કેકેઆરના જડબામાંથી જીત છીનવીને લખનઉને અંતિમ દડે દિલધડક વિજય અપાવ્યો હતો. મેચ ફિનિશર મુકુલ ચૌધરીએ 27 દડામાં 7 અદભૂત છક્કાથી અણનમ પ4 રન કરી સનસનાટી ફેલાવી દીધી હતી. તેના હેલિકોપ્ટર શોટ જઇને ચાહકોને એમએસ ધોનીની યાદ આવી ગઇ હતી.

લખનઉને રોમાંચક જીત અપાવનાર મુકુલ ચૌધરીએ મેચ પછી જણાવ્યું કે હું ધોનીને આદર્શ માનુ છું. કારણ કે હું પણ ફિનિશર છું. હંમેશાં તેનામાંથી પ્રેરણા લેતો રહું છું. તેમનો પસંદનો શોટ હેલિકોપ્ટર છે, જે મારો પણ પસંદનો શોટ છે. હું ધોની જેવો બનવા માગું છું. મારે મેચ ફિનિશ કરવા છે અને મારી ટીમને જીત અપાવી છે. આ તકે તેણે એમ પણ જણાવ્યું કે હું રોજ 100-1પ0 છક્કા મારવાનો અભ્યાસ કરું છું. મારું શરીર થોડું તાકતવર છે. આથી નેચરલી આવા શોટ લાગે છે. પાછલા પ-7 મહિનામાં મેં પાવર હિટિંગની ઘણી પ્રેક્ટિસ કરી હતી.

મુકુલ ચૌધરીએ તેના સંઘર્ષની વાત પણ જણાવી હતી. તેણે કહ્યું મારા પિતાનું સપનું હતું કે હું ક્રિકેટર બનું. હું એક ગરીબ પરિવારમાંથી આવું છું. હું જ્યારે 12 વર્ષનો થયો ત્યારે મને સીકરની એક ક્રિકેટ એકેડેમીમાં તાલીમમાં મુકાયો હતો. અહીંથી મારી ક્રિકેટ યાત્રા શરૂ થઇ હતી. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે લખનઉ સુપર જાયન્ટસે ઓકશનમાં તેને 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુકુલે મુશ્તાક અલી ટ્રોફીમાં રાજસ્થાન તરફથી શાનદાર દેખાવ કર્યોં હતો.

ઇ-પેપરના નવા શુલ્ક