જેતલસર, તા.11: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને અનુલક્ષીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારો વિરુદ્ધ શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત જેતલસરના ડેડરવા ગામની સીમમાંથી એક શખસને દેશી જામગરી બંદૂક સાથે દબોચી લેવામાં આવ્યો છે. રાજકોટ એસપી વિજયાસિંહ ગુર્જરની સૂચનાથી રૂરલ એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.વી. ભીમાણી અને ટીમ પેટ્રાલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે નવાગઢ વિસ્તારના રિયાઝ અબ્દુલ લાડક (ઉં.વ. 27) નામના શખસને ડેડરવા ગામની વોકળા વાળી સીમમાંથી હાથબનાવટની બંદૂક સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી લેવાયો હતો.
પોલીસની
પ્રાથમિક પૂછપરછમાં આરોપી રિયાઝે કબૂલાત આપી હતી કે તે આ હથિયાર ત્રણેક મહિના પહેલા
તાલાલાના સાંગોદ્રા ગામે રહેતા તેના ઓળખીતા અલાયાભાઈ કેવર પાસેથી લાવ્યો હતો. એલસીબીની
ટીમે આરોપી પાસેથી દેશી જામગરી હથિયાર, ગન પાવડર અને છરાના 3 પાઉચ સહિત કુલ રૂ. 8,020નો
મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ મામલે જેતપુર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી હથિયાર
આપનાર શખસની શોધખોળ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.