કોડીનાર તા. 11: કોડીનાર પોલીસે પણાંદર ગામના ચોવીસ નાળા વિસ્તારમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર દરોડો પાડી રૂ.56,840નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઇ. એન. વી. હરિયાણીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રાલિંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે પોલીસ સ્ટાફે બાવળની ઝાડીઓમાં ચાલતી ભઠ્ઠી પર દરોડો પાડયો હતો. સ્થળ પરથી પોલીસે 92 કેનમાં ભરેલો 1840 લીટર દેશી દારૂ બનાવવાનો આથો, 8 ગેસના બાટલા સહિત કુલ રૂ.56,840નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે પણાંદર ગામના નવાપરા વાડી વિસ્તારમાં રહેતા કૌશીક ધીરુભાઈ વાળા (ઉં.28)ને ઝડપી લેવાયો હતો. આરોપી ઉપર 2019થી અત્યાર સુધીના દારૂના 24 ગુના કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે.