ભાવનગર, તા. 10:ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલા નાનભા વાડી વિસ્તારના એક બંગલામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રીઢા ગુનેગાર હરેશ ઉર્ફે ભયલુ બારૈયાના કહેવાથી તેના ભાણિયા સુનિલ મકવાણાએ માસિક રૂ.28,000ના ભાડાના બંગલામાં દારૂનો અડ્ડો જમાવ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સુનિલ મકવાણા અને તેના મિત્ર પ્રણવ ડોડિયાની ધરપકડ કરી છે, જ્યારે સૂત્રધાર ભયલુ ફરાર થઈ જવામાં સફળ રહ્યો છે.
પોલીસે
બંગલાની તલાશી લેતા મેજિક મોમેન્ટ વોડકા અને ગ્રીન લેબલ જેવી વિવિધ બ્રાન્ડની વિદેશી
દારૂની 3744 બોટલો તથા 120 બિયરના ટીન મળી કુલ રૂ.11.01 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
છે. આ ઉપરાંત બે સ્કૂટર અને પાંચ મોબાઈલ પણ જપ્ત કરાયા છે. પકડાયેલા આરોપીએ કબૂલાત
કરી હતી કે તે મામાના નિર્દેશ મુજબ દારૂની હેરાફેરી કરતો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્ય
આરોપી ભયલુ સામે અગાઉ વિવિધ જિલ્લાઓમાં દારૂના 32 જેટલા ગુના નોંધાયેલા છે. હાલ નિલમબાગ
પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.