- સંજય રાઉતનાં પુસ્તકમાં દાવો : સ્વતંત્ર રાજકીય પગલાં લીધા હોવાથી ધનખડ સરકારને ખટક્યાનો આરોપ
નવી દિલ્હી, તા.24: શિવસેના સાંસદ
સંજય રાઉતે પોતાના નવા પુસ્તક ‘અનલાઈકલી પેરેડાઇઝ’માં દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ
ધનખડ પર મોટો દાવો કર્યો છે. રાઉતે દાવો કર્યો
છે કે ધનખડે ગયા વર્ષે ઇડીના દબાણ હેઠળ રાજીનામું આપ્યું હતું. રાઉતે આ પુસ્તકમાં અન્ય
ઘણા વિવાદાસ્પદ દાવાઓ પણ કર્યા છે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે આ પુસ્તક લખાયું હતું.
આ પુસ્તક 2025માં મરાઠી ભાષામાં પ્રકાશિત થયું હતું અને હવે તેનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત
કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો
છે કે ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ઇડીના દબાણ હેઠળ 2025માં પદ પરથી રાજીનામું
આપવાનો નિર્ણય કર્યો હતો. ધનખડ પર દબાણ એટલા માટે હતું કારણ કે તેઓ મોદી સરકાર વિરુદ્ધ
સ્વતંત્ર રાજકીય પગલાં લઈ રહ્યા હતા. તે સમયે એવી પણ અફવા ફેલાઈ હતી કે ધનખડ અને તેમના
પત્નીએ જયપુરમાં પોતાનું ઘર વેચી દીધું હતું અને તેમાંથી કેટલાક પૈસા વિદેશ મોકલ્યા
હતા. તેના આધારે ઇડીએ અન્ય તપાસ એજન્સીઓ સાથે મળીને તેમની સામે ફાઇલ તૈયાર કરી હતી.
રાઉતના પુસ્તક અનુસાર, જ્યારે
ધનખડના સ્વતંત્ર રાજકીય પગલાંની ચર્ચા વધી ત્યારે ઇડીએ આ ફાઇલ બતાવીને તેમના પર રાજીનામું
આપવા દબાણ કર્યું હતું. શરૂઆતમાં જગદીપ ધનખડે
આનો ઇનકાર કર્યો હતો પરંતુ આ પછી તપાસનું દબાણ વધ્યું હતું. જેના કારણે તેઓ અસહજ બનવા
લાગ્યા હતાં. આખરે ધનખડે 21 જુલાઈએ સ્વાસ્થ્યના કારણોસર ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું
આપ્યું હતું.
પુસ્કતમાં પૂર્વ ચૂંટણી કમિશનર
અશોક લવાસા મુદ્દે પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. રાઉતે દાવો કર્યો હતો કે લવાસાના
ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમના પરિવારને ઇડીનું સમન્સ મળ્યું હતું કારણ કે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહના કથિત ચૂંટણી ઉલ્લંઘન સામે તેમના
મંતવ્યો અલગ હતા. પુસ્તક અનુસાર, ચૂંટણી સંહિતાના આઠ ઉલ્લંઘનની ફરિયાદના આધારે લવાસાએ
કાર્યવાહી શરૂ કરી હતી અને તેમને ચૂપ રહેવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તેમણે દબાણ
સામે ઝૂકવાનો ઇનકાર કર્યો હતો. પુસ્તક જણાવે
છે કે 2020માં ઇડીની કાર્યવાહીએ તેમને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હતા અને તે
પછી પણ તેમની સામે તપાસ ચાલતી રહી હતી.