• બુધવાર, 25 માર્ચ, 2026

‘ટીમ ઈન્ડિયા’ જેવો અભિગમ જરૂરી : મોદી

નવી દિલ્હી, 24 (પીટીઆઈ) : પશ્ચિમ એશિયા યુદ્ધના સંભવિત લાંબા ગાળાના પ્રભાવોનો સામનો કરવા માટે સાત સશક્ત જૂથોની રચના કરાઈ હોવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં જાહેરાત કરી હતી અને રાજ્યોને કટોકટીને દૂર કરવા માટે ‘ટીમ ઇન્ડિયા’ અભિગમમાં કેન્દ્ર સરકાર સાથે કામ કરવા વિનંતી કરી હતી. આ સાથે જ સરકાર પળેપળ બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે તેમ પણ જણાવ્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે, જો આ યુદ્ધ ચાલુ રહેશે, તો તેના ગંભીર પરિણામો આવશે. વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતના વેપારના રસ્તા પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, ભારત દરેક ક્ષેત્રમાં એવો પ્રયાસ કરી રહ્યું છે કે, કોઈપણ ક્ષેત્રમાં અન્ય દેશો પર વધુ પડતી નિર્ભરતા ન રહે. વડાપ્રધાને શિપ બિલ્ડિગથી લઈને રેર અર્થ મિનરલ્સ (દુર્લભ ખનિજો) સુધી આત્મનિર્ભરતાના પ્રયાસો ગણાવ્યા અને કહ્યું કે, આ સંકટે દુનિયાને હચમચાવી દીધી છે. આમાંથી બહાર આવવામાં પણ વિશ્વને ઘણો સમય લાગશે.

યુદ્ધની ગંભીર આડઅસરો દર્શાવતાં વડાપ્રધાને કોવિડ-19 પ્રત્યે રાષ્ટ્રીય પ્રતિભાવને યાદ કર્યો હતો, જેમાં નિષ્ણાતોના સશક્ત જૂથોએ પડકારોનો સામનો કરવામાં મદદ કરી હતી તેમ કહ્યું હતું. તે જ રીતે યુદ્ધના પરિણામોનો સામનો કરવા સાત સશક્ત જૂથ બનાવાયાં હોવાનું મોદીએ ઉમેરતાં કહ્યું હતું કે,  આ જૂથો બળતણ, ખાતર, ગેસ, પુરવઠા શૃંખલા અને ફુગાવા પર વ્યૂહરચના ઘડશે.

આ સાથે જ મોદીએ પશ્ચિમ એશિયામાં શાંતિ પુન: સ્થાપિત કરવા માટે એકમાત્ર ઉકેલ તરીકે વાતચીત અને રાજદ્વારી બનવાના ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો હતો અને ઉમેર્યું હતું કે, ભારત ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત તમામ પક્ષો સાથે સતત સંપર્કમાં છે, જેથી તણાવ ઓછો થાય.

ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું દુ:ખદ નિધન થયું છે, તેમની મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક