- 1 એપ્રિલથી ડિજીટલ પેમેન્ટની વ્યવસ્થામાં થશે સુધારો: દ્વિસ્તરીય ખરાઈ પછી જ થશે ચુકવણી
નવીદિલ્હી, તા.24 : આગામી માસ
એટલે કે 1 એપ્રિલથી ઓનલાઇન ડિજીટલ પેમેન્ટ કરવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે બદલાઈ જવાની
છે. રિઝર્વ બેન્કે ઓનલાઇન ઠગાઈ અને સાયબર હુમલાઓ અટકાવવા માટે નિયમોમાં કેટલાક ફેરફારો
કર્યા છે. હવે ડિજીટલ પેમેન્ટ કરવા માટે ટૂ-ફેક્ટર ઓથન્ટિકેશન જરૂરી બનશે. યુપીઆઇ,
નેટ બેન્કિંગ અને કાર્ડ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યા
છે. ડિજીટલ પેમેન્ટમાં એક વધારાનું સુરક્ષા સ્તર ઉમેરાશે. જો કોઈને તમારો પાસવર્ડ ખબર
પડી જાય તો પણ બીજા સુરક્ષા સ્તરને પાર કર્યા વગર કોઈ તમારા ખાતામાંથી પેમેન્ટ કરી
શકશે નહીં. આથી પાસવર્ડ અને ઓટીપી જેવી જૂની ટેકનોલોજીની ખામીઓ દૂર થશે.
હવે માત્ર ઓટીપીના આધારે કોઈ
વ્યવહાર પૂર્ણ નહીં થાય. તેના માટે બાયોમેટ્રિક્સ અથવા ફેસ આઇડી જેવી આધુનિક સુરક્ષા
પદ્ધતિઓનો ઉપયોગ પણ કરવો પડશે. તેથી 1 એપ્રિલ પછી જો તમારો ફોન ચોરી થઈ જાય અથવા સિમ
સ્વેપ થઈ જાય તો પણ હેકર્સ તમારા બેન્ક ખાતામાં ઘૂસી શકશે નહીં.
1 એપ્રિલ, 2026થી દરેક ડિજિટલ
પેમેન્ટ માટે ટૂ-સ્ટેપ વેરિફિકેશન જરૂરી રહેશે. તેમાં પીન, પાસવર્ડ, બાયોમેટ્રિક્સ
અને ટોકન જેવા વિકલ્પો સામેલ રહેશે. મહત્ત્વની વાત એ છે કે ટૂ-સ્ટેપ વેરિફિકેશનમાં
એક ફેક્ટર ડાયનેમિક રહેશે. સરળ ભાષામાં કહીએ તો ઓથેન્ટિકેશનનો એક ભાગ વિશિષ્ટ હશે,
જેનાં કારણે ઠગ કોઈનાં ખાતામાંથી પેમેન્ટ કરી શકશે નહીં. આથી સિમ સ્વેપ અને ફાશિંગ
જેવાં જોખમોથી લોકોનું રક્ષણ થશે. અત્યાર સુધી
ઓનલાઇન પેમેન્ટ માટે એક માત્ર ઓટીપીનો ઉપયોગ સુરક્ષા સાધન તરીકે થતો હતો પણ હવે નવા
નિયમો મુજબ બેન્કો પોતાની સુવિધા અને ટેકનોલોજી મુજબ બાયોમેટ્રિક્સ અથવા ડિવાઇસ બાઇન્ડિંગ
જેવા વિકલ્પો પસંદ કરી શકશે. તે ઉપરાંત રિસ્ક-બેઝ્ડ ઓથેન્ટિકેશન પણ શરૂ થશે. નવા નિયમોને
કડક બનાવીને રિઝર્વ બેન્કે એવું પણ નક્કી કર્યું છે કે જો કોઈ બેન્ક અથવા પેમેન્ટ એપ
સુરક્ષા નિયમોનું પાલન ન કરે અને તમારી સાથે ઠગાઈ થાય તો તેની સંપૂર્ણ ભરપાઈ બેન્કને
કરવી પડશે. આ કારણે બેન્કોને વધુ સુરક્ષિત અને આધુનિક પદ્ધતિઓ અપનાવવી પડશે.