-સંસ્થાએ વેચાણમાં રેકોર્ડ સર્જ્યો : કપાસ માર્કેટ યાર્ડમાં રૂ. 1700 થઇ ગયો
રાજકોટ,
તા.24 (ફૂલછાબ ન્યૂઝ) : કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પાસે રહેલા રૂમાં ચિક્કાર ખરીદી
નીકળવાને લીધે સ્ટોકમાં જબરો કાપ આવી ગયો છે. સંસ્થાએ 110 લાખ ગાંસડીની ખરીદી ટેકાના
ભાવથી કરી હતી. એ પૈકી 38 લાખ ગાંસડી વેંચાઇ ચૂકી છે ! સીસીઆઇએ ઝડપભેર વેચાણ કરીને
નવો કીર્તિમાન સ્થાપ્યો છે.સીસીઆઇ બજાર કરતા ઉંચા ભાવમાં રૂ વેચતી હોવા છતાં ખપત વધારે
છે તેમ બ્રોકરોએ કહ્યું હતુ. સીસીઆઇએ રેકોર્ડબ્રેક ખરીદી તો કરી છે પણ વેચાણમાં ય રેકોર્ડ
સ્થાપ્યાનું અમદાવાદના બ્રોકર અરુણ દલાલે કહ્યું હતુ. તેમણે જણાવ્યું કે, વેચાણ ઘણું
ઝડપથી થયું છે અને છેલ્લાં બે ત્રણ સપ્તાહમાં જ 29 લાખ ગાંસડી કરતા વધારે રૂ વેચી દીધું
છે. મહારાષ્ટ્ર અને ગુજરાત વેચાણમાં સૌથી આગળ છે.
તેમણે
કહ્યું કે, યાર્ન મિલોને નફાનું માર્જિન સારું મળે છે. ક્રૂડ તેલમાં તેજી છે અને ગારમેન્ટમાં
નિકાસના કામકાજ સારાં થયા છે એટલે ખપત છે.યાર્નની સીધી નિકાસ પણ ખૂબ થઇ ગઇ છે. તેમણે
ઉમેર્યું કે, સીસીઆઇ બજાર ભાવ કરતા રૂ. 1000થી વધુ મોંઘું રૂ આપે છે અને એડવાન્સ પેમેન્ટની
શરત હોય છતાં ખપત ખૂબ સારી ગણી શકાય. એપ્રિલ અને મે મહિના સુધી ખપત જળવાઇ રહેશે તેમ
લાગે છે. એમાં ય જો યુદ્ધનો અંત આવે તો માગ ઉછળી શકે છે. ટ્રેડરો પાસેથી મળતા આંકડાઓ
પ્રમાણે અત્યાર સુધી સીસીઆઇ ટોપ સ્ટોક ધરાવતી હતી પણ હવે સ્પિનીંગ લોબી પાસે વધારે
સ્ટોક હોવાની ધારણા છે. આંકડાઓ મુજબ સ્પિનરો 77-78 લાખ ગાંસડી રૂનો સ્ટોક ધરાવે છે.
જ્યારે મલ્ટીનેશનલ કંપનીઓ, વાયદા બજાર કે જિનરો પાસે 72-73 લાખ ગાંસડી હોવાની ધારણા
છે. સીસીઆઇ પાસે 72 લાખ ગાંસડી કરતા વધારે માલ નથી.
આખા
દેશમાં રૂની કુલ આવક 277 લાખ ગાંસડીની થઇ હતી. એમાંથી 146 લાખ ગાંસડીનો વપરાશ થયો છે
જ્યારે નિકાસમાં 6.75 લાખ ગાંસડી ગઇ છે. આયાત 42 લાખ ગાંસડી જેટલી થઇ છે.
કપાસની
આવક સૌરાષ્ટ્રભરમાં 60 હજાર મણ કરતા વધારે આવક થઇ હતી. જોકે નિયમિત ધોરણે 45 હજાર મણ
આસપાસ આવક થાય છે. બે દિવસમાં જ માર્ચ અંતને લીધે માર્કેટ યાર્ડ બંધ પડી જવાના છે અને
તેજી થવાને લીધે ખેડૂતોએ સોમવારે વધારે વેચવાલી કરી હતી. કપાસનો સરેરાશ ભાવ રૂ.
1550-1680 સુધી ગયો છે. અમરેલી, માણાવદર અને બોટાદમાં રૂ.1700 ઉપરના ભાવ પડયા હતા.