• બુધવાર, 25 માર્ચ, 2026

ધર્માંતરણ સાથે જ અનુસૂચિત જાતિનો દરજ્જે સમાપ્ત

હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મની વ્યક્તિ એસસી સદસ્ય ન હોઈ શકે :

સુપ્રીમ કોર્ટેની ઐતિહાસિક સ્પષ્ટતા

નવીદિલ્હી,તા.24: અનુસૂચિત જાતિનાં દરજ્જા વિશે સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક ફેંસલો આપતાં સ્પષ્ટતા કરી છે કે, અનુસૂચિત જાતિની કોઈ વ્યક્તિ જો અન્ય ધર્મમાં ધર્માંતરણ કરે તો તેનો અનુસૂચિત જાતિનો દરજ્જો તુરંત જ સમાપ્ત થઈ જાય છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરે, તેનું પાલન કરે છે, તો તે અનુસૂચિત જાતિના સભ્ય ન રહી શકે. જસ્ટિસ પી.કે. મિશ્રા અને એન.વી. અંજારિયાની બેન્ચે કોઈ વ્યક્તિ હિંદુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થાય તો તે એસસી/એસટી એક્ટની જોગવાઈ અંતર્ગત અનુસૂચિત જાતિના દરજ્જાનો દાવો કરી શકે કે નહીં તે મામલે સુનાવણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના આદેશને યથાવત જાળવી રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિંદુ, શીખ અથવા બૌદ્ધ ધર્મ સિવાય અન્ય કોઈપણ ધર્મને માનનારી કોઈ પણ વ્યક્તિ અનુસૂચિત જાતિ (એસસી)ના સભ્ય ન હોઈ શકે  બીજા ધર્મમાં ધર્માંતરણ અનુસૂચિત જાતિનો દરજ્જો છીનવી લે છે.

શીર્ષ અદાલતની પીઠે આગળ કહ્યું હતું કે આ કેસમાં અરજદારનો દાવો એવો નથી કે તેણે ખ્રિસ્તી ધર્મ છોડયા પછી મૂળ ધર્મ પાછો અપનાવી લીધો હોય કે પછી મડિગા સમુદાય દ્વારા તેને ફરીથી સ્વીકારવામાં આવ્યો હોય. આમાં સાબિત થાય છે કે અપીલકર્તાએ સતત ખ્રિસ્તી ધર્મને માનતો રહ્યો છે અને એક દાયકાથી વધુ સમયથી પાદરી તરીકે કામ કરે છે.  જે ગામના ઘરોમાં નિયમિત રવિવારની પ્રાર્થના આયોજિત કરે છે.  એવું પણ સ્વીકારવામાં આવ્યું છે કે કથિત ઘટના સમયે તે ઘરે પ્રાર્થના સભા કરી રહ્યો હતો.  આ તમામ હકીકતો સામે આવ્યા બાદ કોઈ સંશય નથી કે ઘટનાની તારીખે તે ખ્રિસ્તી હતો.

આ સમગ્ર કેસની હકીકત ઉપર નજર કરીએ તો ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત થયેલો એક વ્યક્તિ પાદરી તરીકે કામ કરતો હતો, પરંતુ તેણે કેટલાક લોકો સામે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો હતો.  તેમણે આરોપ લગાવ્યો હતો કે લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. જેમાં તેણે એસસી/એસટી એક્ટ હેઠળ રક્ષણ માંગ્યું હતું અને આરોપી તરફથી આને કોર્ટમાં પડકારવામાં આવેલું.  આરોપીએ દાવો કર્યો હતો કે પાદરીએ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. 30 એપ્રિલ, 2025ના રોજ આ કેસમાં હાઈકોર્ટે આદેશ આપતાં કહેલું કે, ખ્રિસ્તી ધર્મમાં જાતિ વ્યવસ્થાને કોઈ સ્થાન નથી.  આવી સ્થિતિમાં ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તિત વ્યક્તિ એસસી/એસટી અધિનિયમની કલમોનો આશરો લઈ શકતી નથી.  આ ચુકાદો સુપ્રીમ કોર્ટે પણ યથાવત જાળવી રાખ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક