- ખામેનીએ સંભવિત સમજૂતી માટે વાતચીતને મંજૂરી આપ્યાનાં બિનસત્તાવાર અહેવાલ : સત્તાવાર રીતે ઈરાન ટ્રમ્પનાં દાવાને ગણાવે છે ફેક ન્યૂઝ
નવી દિલ્હી, તા.24: હોર્મુઝ જળમાર્ગ
ખોલવામાં નહીં આવે તો ઈરાનનાં ઊર્જા મથકોને નિશાન બનાવવાનું અલ્ટીમેટમ પાંચ દિવસ લંબાવીને
અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કરેલો કે ઈરાન સાથે વાટાઘાટ શરૂ થઈ છે
અને આ પાંચ દિવસમાં કોઈ સમજૂતી થઈ જવાની શક્યતા છે. જો કે ઈરાન તરફથી ટ્રમ્પનાં આવા
દાવાને ખોટો ગણાવી નાખવામાં આવ્યો હતો પણ હવે એક અહેવાલ એવો પણ આવ્યો છે કે, ઈરાનના
નવા સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનીએ પણ અમેરિકા સાથે વાતચીતને મંજૂરી આપી છે.
અહેવાલો અનુસાર આ વાતચીત ગુપ્ત
રીતે ચાલી રહી છે, જેના વિશે ઈરાનના ટોચના નેતૃત્વમાં પણ માત્ર થોડા લોકોને જ જાણ છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ગુપ્ત રીતે અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફને જણાવ્યું
છે કે સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ સંભવિત સમજૂતી સુધી પહોંચવા માટે વાતચીતને મંજૂરી
આપી છે. જોકે, ઈરાન સત્તાવાર રીતે અમેરિકા સાથે કોઈપણ વાતચીતથી ઇનકાર કરી રહ્યું છે.
મોજતબા ખામેની ઈરાનની શરતોને
આધિન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા માટે સંમત થયા છે. દરમિયાન આજે ટ્રમ્પે દાવો કર્યો
હતો કે, કોઈ વ્યાપક સમાધાન ઉપર આવી શકાય તેમ છે કે નહીં તેની ચર્ચા ચાલી રહી છે. ઈરાન
પણ હવે આમાં શાંતિનો કોઈ રસ્તો ઈચ્છે છે. જો કે તહેરાન તરફથી આવી કોઈ જ શાંતિ વાટાઘાટ
ચાલતી હોવાનું આજે ફરીથી નકારી કાઢવામાં આવ્યું હતું અને ઈરાનની સંસદનાં સ્પીકરે તો
આને ફેક ન્યૂઝ ગણાવી દીધા હતાં.
દરમિયાન ઈરાને પોતાની સર્વોચ્ચ
સુરક્ષા સમિતિનાં નવા વડા તરીકે મોહમ્મદ બઘેર ઝોલઘદ્રને નિયુક્ત કર્યા છે. આ સીવાય
ઈરાને બહેરીન, સાઉદી અને કુવૈતમાં હુમલા ચાલી રાખતા ટ્રમ્પની શાંતિની વાટાઘાટનાં દાવા
છતાં ઈરાન ઉપર અમેરિકી દળોની જવાબી કાર્યવાહી પણ ચાલી રહી છે. ઈરાને ઈઝરાયલમાં તેલઅવીવમાં
પણ ખાનાખરાબી મચાવવાનું જારી રાખ્યું છે.