-ઊર્જામથકો ઉડાવવાની ટ્રમ્પની ચેતવણી બાદ ઈરાનની વળતી ધમકી
તહેરાન,
તા. 23 : અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યા બાદ છેડાયેલા યુદ્ધ અને તે બાદ સર્જાયેલા
ચેતવણીઓના દોર વચ્ચે ઈરાને પણ અમેરિકાને ચેતવણી આપી છે કે, જો અમેરિકા તટીય ક્ષેત્રોમાં
કે દ્વીપો પર હુમલો કરશે તો ફારસની ખાડીમાં વિસ્ફોટક સુરંગો થકી સમુદ્રી માર્ગોને બંધ
કરી દેવાશે.
એક
મીડિયા હેવાલ મુજબ, ઈરાનની રક્ષા પરિષદે કહ્યું હતું કે, યુદ્ધમાં સંડોવાયેલા દેશો
સિવાય હોર્મુઝની ખાડીમાંથી પસાર કરવા માટે ઈરાન સાથે સમન્વય જાળવવું પડશે. વધુમાં પરિષદે
કહ્યું હતું કે, જો ઈરાનના તટીય ક્ષેત્રો કે દ્વીપોને અમેરિકા નિશાન બનાવશે, તો ફારસની
ખાડીમાં વિસ્ફોટકોની સુરંગ પાથરી સમુદ્રી માર્ગોને બંધ કરી દેવાશે.
આ પહેલાં
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે
મોડી રાત્રે ટેલિફોનિક વાતચીત દરમિયાન હોર્મુઝ ખાડી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી, જેમાં
વૈશ્વિક ઊર્જા બજારમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ખૂલે તે જરૂરી
છે.
નોંધનીય
છે કે, રવિવારે ટ્રમ્પે ઈરાનને 48 કલાકમાં હોર્મુઝ ખાડી ખોલવાની ચેતવણી આપી હતી. જો
ઈરાન તેમ નહીં કરે તો 48 કલાક બાદ ઈરાનના ઊર્જા ક્ષેત્રોને ઠપ કરી દેવાશે, જે પછી ઈરાને
વળતી ચેતવણી આપી હતી. સમયની સાથે આ યુદ્ધ પણ ભીષણ સ્વરૂપ લેતું હોવાથી દુનિયામાં ફફડાટ
ફેલાયો છે.