• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

20 દેશમાં ઈન્ટરપોલે 328 સંદિગ્ધ પકડયા

57ની આતંક સાથે સાંઠગાંઠ : યુરોપ, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકામાં ધોંસ : ડ્રગ્સ સહિતનો સામાન જપ્ત

લંડન, તા.17 : ઇન્ટરપોલે 20 દેશમાં મોટી કાર્યવાહી હાથ ધરતાં 328 શંકાસ્પદોની ધરપકડ કરી છે જેમાં 57 આતંકવાદ સાથે જોડાયેલા છે. ખાસ ઓપરેશનમાં એજન્સીએ મોટા પાયે ડ્રગ્સ, લકઝરી સામાન-કારો, રોકડ, ચાંદી, ખાલી પાસપોર્ટ સહિતના દસ્તાવેજ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.

ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ વાલ્ડેસી ઉર્ક્વિઝાએ જણાવ્યું હતું કે આતંકવાદી સંગઠનો ભય ફેલાવવાનો અને સમગ્ર પ્રદેશોની સુરક્ષાને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરે છે. તેઓ ઘણીવાર સંગઠિત ગુના દ્વારા આવક કરે છે પરંતુ આ કામગીરી દર્શાવે છે કે આ ધમકીઓનો સામનો આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા કરી શકાય છે. ઇન્ટરપોલે જુલાઈ અને સપ્ટેમ્બર 2025 વચ્ચે યુરોપ, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના 20 દેશમાં કામગીરી હાથ ધરી હતી. કુલ 153 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જે ગયા વર્ષ કરતા બમણાથી વધુ છે.

વિશ્વભરમાં આતંકવાદ અને સંગઠિત ગુનાનો સામનો કરવા ઇન્ટરપોલે યુરોપ, મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના 20 દેશમાં નેપ્ચ્યુન 7 નામનું ઓપરેશન હાથ ધર્યું હતું. જુલાઈ અને સપ્ટેમ્બર 2025 વચ્ચે હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં 70થી વધુ સ્થળોએ એરપોર્ટ, બંદર અને સરહદ તપાસનો સમાવેશ થતો હતો. દરમિયાન 328 વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી જેમની સામે ઇન્ટરપોલ નોટિસ અને ડિફ્યુઝન જારી કરવામાં આવ્યા હતા. 2024 માં 1.6 કરોડની સરખામણીમાં 3 કરોડ તપાસ કરાઈ ચૂકી છે. નોંધપાત્ર ધરપકડ ઇગોર ગ્રેચુશ્કિનની હતી, એ જહાજ માલિક જેમનો કાર્ગો 2020મા બેરૂત વિસ્ફોટનું કારણ બન્યો હતો જેમાં 218 લોકો માર્યા ગયા હતા અને 6000થી વધુ ઘાયલ થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક