• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

25 ચહેરા પર હર્ષ, સંઘવી ઉપમુખ્યમંત્રી

ગુજરાત સરકારનું નવું મંત્રીમંડળ રચાયું: નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ કક્ષાના નવા 5 મંત્રી, સ્વતંત્ર હવાલા સાથેના રાજ્યકક્ષાના 3 મંત્રીઓ, રાજ્ય કક્ષાના 12 મંત્રીઓના શપથ ગ્રહણ

 જિલ્લા-ઝોન, જાતિ-જ્ઞાતિવાર સંપૂર્ણ સંતુલિત મંત્રીમંડળ: 3 મહિલાને સ્થાન પણ કેબીનેટમાં એક પણ નહીં :  સૌરાષ્ટ્ર - કચ્છ તથા ઘઇઈ - પાટીદારોનો દબદબો

 હર્ષ સંઘવીને ગૃહ ખાતું યથાવત, ઋષિકેશ પટેલને ઊર્જા-પેટ્રોકેમિકલ, પાનસેરિયાને આરોગ્ય, વાઘાણીને કૃષિ અને સહકાર

 બલવંતાસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા પડતાં મૂકાયા: 2 ધારાસભ્યોને પ્રથમ ટર્મમાં જ મંત્રીપદ મળી ગયું

અમદાવાદ,તા.17:  છેલ્લા કેટલાય સમયથી રાજ્ય સરકારનું વિસ્તરણ કરાશે, એવી ચાલતી વાતો ઉપર હવે, મંત્રીમંડળના વિસ્તરણની સાથે જ પૂર્ણ વિરામ મૂકાઈ ગયું છે. આ મંત્રીમંડળમાં રાજ્યના જિલ્લા-ઝોનવાર, જાતિ-જ્ઞાતિ મુજબ સંપૂર્ણપણે સંતુલન જળવાયું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નવા વરાયેલા મંત્રીઓમાં 5 કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના 3 મંત્રીઓ અને રાજ્યકક્ષાના 12 મંત્રી મળીને કુલ 21 સભ્યોને મહાત્મા મંદિર ખાતે આરત માતાકી જયના જયઘોષ અને તાલીઓના ગળગળાટ વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઈશ્વરના નામે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ચાલુ સરકારના મંત્રીમંડળના 3 કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળીયા અને રાજ્ય કક્ષાના પરષોત્તમ સોલંકીને વર્તમાન મંત્રીમંડળમાં યથાવત્ રાખવામાં આવતા હવે, મુખ્યમંત્રી સહિત વર્તમાન રાજ્ય સરકારનું કુલ કદ 26નું થયું છે.

મંત્રીઓની શપથ વિધિ બાદ સાંજે કેબીનેટની બેઠક મળી હતી. જેમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. તેમાં હર્ષ સંઘવીને ગૃહ ખાતું યથાવત, ઋષિકેશ પટેલને ઉર્જા-પેટ્રોકેમિકલ, પાનસેરિયાને આરોગ્ય, વાઘાણીને કૃષિ અને સહકાર, કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, કનુ દેસાઈનેનાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ,  નરેશ પટેલને આદિજાતિ વિકાસ, ખાદી, ગ્રામ્ય ઉદ્યોગો અને ગ્રામ્ય આવાસ, અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી તથા ડૉ. પ્રદ્યુમન વાજાને સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને રમણ સોલંકીને અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ખાતા કેબીનેટ મંત્રીનો હવાલો સોંપવામાં આવ્યો છે.

 રાજ્ય વિધાનસભાની સેમી ફાઈનલ સમી ગણાનારી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાવાની છે અને ત્યારબાદ ડિસેમ્બર-2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મંત્રીમંડળને આ ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજયની પરંપરાને જાળવી રાખનારું સંતુલિત માનવામાં આવી રહ્યું છે. આ મંત્રીમંડળમાં આગામી ભાવિ રણનીતિના ભાગરુપે પાટીદાર-ઓબીસી અને સૌરાષ્ટ્ર ઉપર ખાસ ધ્યાન અપાયું છે.   

હાલના મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતના 4 મંત્રીઓ, મુખ્યમંત્રી સહિત મધ્ય ગુજરાતના 7, દક્ષિણ ગુજરાતના 6, કચ્છ- 1, સૌરાષ્ટ્રના 8 મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે.  એવી જ રીતે જાતિ-જ્ઞાતિના સમીકરણોને પણ પૂરતો ન્યાય અપાયો છે. જે મુજબ મુખ્યમંત્રી સહિત પાટીદાર મંત્રીઓ (લેઉઆ-3, કડવા-4) કુલ-7, ઓબીસી (કોળી-3) કુલ-8, ક્ષત્રિય-2, અનુસૂચિત જનજાતિ-(એસટી)-4, અનુસૂચિત જાતિ (એસસી)-3, અન્ય -2 મળીને કુલ 26નું મંત્રી મંડળ અસ્તિત્વમાં આવ્યું છે. આ મંત્રીમંડળમાં રિવાબા જાડેજા, દર્શના વાઘેલા અને મનીષા વકીલ એમ 3 મહિલાને સ્થાન અપાયું છે. હાલના મંત્રીમંડળમાં મૂળ કોંગ્રેસમાંથી ભાજપ સાથે જોડાઈને ભાજપમાંથી ચૂંટાયેલાઓમાંથી એક કુંવરજી બાવળિયાને યથાવત રખાયા છે. જ્યારે નવા મંત્રીમંડળમાં અર્જુન મોઢવાડિયાને સામેલ કરાતા હવે, તેમની સંખ્યા 2 થઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો સાથે શાસનમાં આવેલી સરકારમાંથી મુખ્યમંત્રી સહિત કુલ 17નું કદ હતું. હવે, આ કદ કુલ 26નું હતું. જેમાંથી સૌરાષ્ટ્રના 5 મંત્રીઓ હતા. જેમાંથી (કુંવરજી બાવળિયા, પરષોત્તમ સોલંકી)-2ને રિપિટ કરીને હવે, કચ્છ સહિત સૌરાષ્ટ્રમાંથી 9 મંત્રીઓ લેવાયા છે. ઉત્તર ગુજરાતમાંથી અગાઉ 3 મંત્રીઓ હતા હવે, કુલ 4, મધ્ય ગુજરાતમાં અગાઉ 3 હતા, હવે 7 થયાં છે. દક્ષિણ ગુજરાતમાંથી અગાઉ 5 હતા. હવે -6 થયા છે.  

હર્ષ સંઘવી સૌથી નાની વયના છઠ્ઠા નાયબ મુખ્યમંત્રી

વર્ષ        સરકાર    નાયબ મુખ્યમંત્રી

1972   ઘનશ્યામ ઓઝા    ચીમનભાઇ પટેલ, કાંતિલાલ ઘીઆ

1990   ચીમનભાઇ પટેલ  કેશુભાઇ પટેલ

1994   છબીલદાસ મહેતા નરહરિ અમીન

2016   વિજય રુપાણી     નીતિન પટેલ

2025   ભૂપેન્દ્ર પટેલ        હર્ષ સંઘવી

 

ઇ-પેપરના નવા શુલ્ક