• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ચીનને પાછળ છોડી ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના ભારતની

અમેરિકા અને રશિયા પહેલા બે ક્રમાંકે : ભારતની ક્ષમતા આધુનિક ટ્રેનિંગ, ત્વરિત પ્રતિક્રિયા અને સટીક હુમલામાં

નવી દિલ્હી, તા. 17 : ભારતે વાયુસેનાની ક્ષમતાના મોરચે ચીનને પાછળ છોડી દીધું છે. વર્લ્ડ ડાયરેક્ટરી ઓફ મોડર્ન મિલિટ્રી એરક્રાફ્ટ (ડબલ્યુડીએમએમએ)ના નવા રિપોર્ટ અનુસાર ભારતીય વાયુસેના હવે અમેરિકા અને રશિયા બાદ દુનિયાની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના બની ગઈ છે.ચીન પાસે ભારત કરતા વધારે યુદ્ધ વિમાન છે પણ ભારતીય વાયુસેના વધારે આધુનિક અને મિશનને અંજામ આપવા માટે સારી રીતે તૈયાર છે. ભારતની શક્તિ આધુનિક ટ્રેનિંગ, ઝડપી પ્રતિક્રિયા અને સટીક હુમલામાં છે. ઓપરેશન સિંદૂરમાં પણ ભારતીય વાયુસેનાએ પોતાની ક્ષમતા સાબિત કરી છે.  ડબલ્યુડીએમએમએ દર વર્ષે દુનિયાભરની વાયુસેનાઓની શક્તિને આંકે છે. આ રેન્કિંગ માત્ર વિમાનોની સંખ્યાથી નથી બનતી. તેમાં યુદ્ધ ક્ષમતા, રક્ષા ક્ષમતા, લોજિસ્ટીક સપોર્ટ, ટ્રેનિંગ અને ટેક્નીકલ આધુનિકતા પણ ધ્યાને લેવામાં આવે છે.  ચીન પોતાની વાયુસેનાને અપગ્રેડ કરવા અને એડવાન્સ ટેક્નોલોજી વિકસિત કરવા માટે અબજો ડોલરનો ખર્ચ કરે છે. જ્યારે ભારત માત્ર મશીનો ઉપર જ નહી, પાયલટની ટ્રેનિંગ અને યુદ્ધની તૈયારી ઉપર પણ ધ્યાન આપે છે. ભારતીય વાયુસેનાના શક્તિશાળી હોવાનું કારણ સારી ટ્રેનિંગ, ઝડપથી પ્રતિક્રિયા આપવાની ક્ષમતા અને સટીક હુમલો કરવાની તાકાત છે.

અમેરિકા સાથે સંરક્ષણ કરાર કરવા સાઉદીની વાટાઘાટ

રિયાધ, તા.17 : પરમાણુ શક્તિ પાકિસ્તાન સાથે સંરક્ષણ કરાર કર્યા પછીયે ભરોસો ન હોય તેમ સાઉદી અરેબિયા હવે અમેરિકા સાથે સંરક્ષણ કરાર પર વાટાઘાટો કરી રહ્યંy છે. સાઉદી અરેબિયાને આશા છે કે આવતા મહિને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનની રિયાધ મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થશે.  ટ્રમ્પ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ કરાર અંગે અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. હજુ સુધી કોઈ વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. અમેરિકા સાઉદી અરેબિયા સાથે આ કરાર એવા સમયે કરી રહ્યું છે જ્યારે તેણે ઇઝરાયલી હુમલા પછી કતાર સાથે સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે સંરક્ષણ કરાર માટેની વાટાઘાટો કતાર સાથેના કરાર જેવી જ છે. તેમાં જણાવાયું છે કે કતાર પર કોઈપણ હુમલો અમેરિકા પર હુમલો માનવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક