• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણને બેલ્જીયમ કોર્ટની મંજૂરી

ચોક્સી પાસે ઉપરની કોર્ટમાં જવાનો વિકલ્પ છતાં ભારતે પ્રત્યાર્પણ માટે મહત્ત્વનો પડાવ પાર કર્યો

નવી દિલ્હી, તા. 17 : પંજાબ નેશનલ બેંક સાથે અંદાજીત 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને દેશ છોડનારા ભાગેડુ કારોબારી મેહુલ ચોક્સીને ભારત લાવવાની દિશામાં એક મહત્ત્વની સફળતા મળી છે. બેલ્જીયમની એન્ટવર્પ કોર્ટે ચોક્સીના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તેમજ ભારતના અનુરોધ ઉપર બેલ્જીયમની એજન્સી દ્વારા મેહુલ ચોક્સીની ધરપકડને પણ કોર્ટ દ્વારા યોગ્ય ઠેરવવામાં આવી છે. ચોક્સી પાસે હજી બેલ્જીયમની ઉપરની અદાલતમાં જવાનો વિકલ્પ છે,તેમ છતાં આ આદેશ તેના પ્રત્યાર્પણની દિશામાં વધુ એક સફળ પગલું ગણવામાં આવી રહ્યું છે. એટલે કે ચોક્સીનું તત્કાળ પ્રત્યાર્પણ થશે નહીં પણ એક મહત્ત્વનો કાનૂની તબક્કો પાર પડયો છે. અદાલતના નિર્ણયને ચોક્સીના પ્રત્યાર્પણ માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. સુનાવણી દરમિયાન બેલ્જીયમની અદાલત દ્વારા બન્ને પક્ષની દલીલ સાંભળી હતી. બાદમાં કોર્ટે નોંધ્યું હતું કે ચોક્સી ઉપર ભારતમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, ભ્રષ્ટાચાર અને અપરાધિક ષડયંત્ર રચવાના આરોપ છે. આ તમામ અપરાધ બેલ્જીયમમાં પણ દંડનીય છે. આ બેવડી અપરાધિકતાની સ્થિતિ આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પ્રત્યાર્પણની શરતોમાં જરૂરી છે.

મેહુલ ચોક્સીની એન્ટવર્પ પોલીસ દ્વારા 11 એપ્રિલ 2025ના રોજ ભારત સરકારના અનુરોધ બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદથી જ ચોક્સી જેલમાં બંધ છે અને તેની ઘણી જામીન અરજીઓ રદ કરવામાં આવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક