• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

‘તેજસ’ યુગનો પ્રારંભ

સ્વદેશી યોદ્ધા તેજસ એમકે-1એની સફળ ઉડાન : આત્મનિર્ભર ભારત અભિયાનની મોટી જીત

નવી દિલ્હી, તા. 17 : શુક્રવારનો દિવસ ભારતીય રક્ષા ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરોમાં અંકિત થયો છે. હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની નાસિક ફેસિલિટીથી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ એમકે-1એએ પોતાની પહેલી સફળ ઉડાન ભરી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ હાજર રહ્યા હતા. સુ-30 એમકેઆઈ અને એચટીટી-40 ટ્રેનર વિમાનના ફલાઈ-પાસ્ટ વચ્ચે તેજસની ઉડાન ટેકનીકલ ઉપલબ્ધિ હોવાની સાથે ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની મોટી જીત પણ છે.

1980ના દશકમાં શરૂ થયેલો પ્રોજેક્ટ મુળ રૂપથી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (એલસીએ)ના રૂપમાં વિકસિત કરવામાં આવ્યો છે. જો કે તેમાં ઘણા પડકારોનો સામનો કરવો પડયો હતો. એન્જીનની કમી, ટેક્નીકલ જટિલતા અને ગ્લોબલ સપ્લાય ચેનમાં અડચણોથી પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો. મુળ તેજસ એમકે-1ને 2015માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. જો કે એમકે-1એ સંસ્કરણની પ્રતીક્ષા લાંબી ખેંચાઈ હતી.

શુક્રવારે તેજસ એમકે-1એની સફળ ઉડાને સાબિત કરી દીધું છે કે ભારત હવે સ્વદેશી વિમાન નિર્માણના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની કગારે છે. એચએએલના ચીફ ટેસ્ટ પાયલોટ ગ્રુપ કેપ્ટન (સેવાનિવૃત્ત) કેકે વેણુગોપાલે આ ઉડાનને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. તેજસ એમકે1એ ભારતીય વાયુસેનાના જુના મિગ-21ની જગ્યા લેશે. ભારતીય વાયુસેનાને ચાલુ મહિનાના અંત સુધીમાં પહેલું તેજસ એમકે1એ મળી જવાની સંભાવના છે.

નાસિક સ્થિત એચએએલના નવા ઉત્પાદન એકમમાં દર વર્ષે  8 વિમાન બનાવવાની ક્ષમતા હશે. આ પહેલાથી બેંગલોર સ્થિત બે એકમોમાં દર વર્ષે 16 વિમાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવી લાઈન શરૂ થતા એચએએલની ઉત્પાદન ક્ષમતા 24 વિમાન સુધીની થઈ જશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક