• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

દીવના સાઉદવાડીમાં બે માસૂમ ભાઈ-બહેનનાં મૃત્યુથી શોકની લાગણી

સાત અને ચાર વર્ષનાં બાળકોનાં મૃત્યુનું રહસ્ય ઘેરાયું; ત્રણ તબીબની ટીમે પોસ્ટમોર્ટમ કરી અંગોનાં સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલ્યાં

દીવ, તા.14: દીવના સાઉદવાડી વિસ્તારમાં બે માસૂમ બાળકોનાં કરુણ મૃત્યુની ઘટનાથી સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ છે. સાઉદવાડીના રહેવાસી ભવ્યેશ સોલંકીનાં સાત વર્ષીય પુત્રી કનિશા અને ચાર વર્ષીય પુત્ર અયાંશનાં અચાનક મૃત્યુ થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બંને બાળકોનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તબીબી તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, બંને બાળક પરમ દિવસે બીમાર પડતાં વણાકબારા વિસ્તારમાં એક ખાનગી તબીબ પાસે સારવાર કરાવવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના સમયે બંનેની તબિયત અચાનક વધુ બગડતાં તેમને દીવની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે ઉના હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે બંને બાળકને મૃત જાહેર કર્યા હતા.

ત્યારબાદ બંનેનાં મૃતદેહ દીવની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રાથમિક રીતે પોસ્ટમોર્ટમ વિના મૃતદેહ પરિવારને સોંપવામાં આવતાં પરિવારજનો અગ્નિસંસ્કાર માટે વણાકબારા સ્મશાનગૃહે લઈ ગયા હતા. આ અંગે પોલીસને જાણ થતાં દીવ પોલીસ સ્મશાનગૃહે પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફરી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

દીવ સરકારી હોસ્પિટલમાં ત્રણ તબીબની ટીમે બંને બાળકનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનાં અંગોનાં સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુ પાછળનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. પોલીસ દ્વારા પણ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને માતા-પિતાની પૂછપરછ સહિતની કાર્યવાહી તપાસના આધારે કરવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક