રાજકોટના આજી વસાહત પાસે તનવી ગોલ્ડના કર્મચારી પાસેથી 1 કિલો સોનું અને 2 કિલો ચાંદીના દાગીના લૂંટાયા; ત્રણ રાઉન્ડ ફાયારિંગ કરી લુટારુઓ ફરાર, પોલીસની નાકાબંધી
રાજકોટ,તા.14ઃ શહેરમાં નવરાત્રિ દરમિયાન સોના-ચાંદીના દાગીનાની લૂંટની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આજી વસાહત નજીક કારમાં આવેલા ત્રણથી ચાર લુટારુઓએ જ્વેલર્સ પેઢીના કર્મચારીને નિશાન બનાવી ફાયારિંગ કરી અંદાજે એક કિલો સોનું અને બે કિલો ચાંદીના દાગીના લૂંટી લીધા હતા.ઘટનામાં ગોળી લાગતા ઈજાગ્રસ્ત થયેલા કર્મચારીનું સારવાર મળે તે પૂર્વેજ મૃત્યુ થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી.
આ બનાવમાં તનવી ગોલ્ડના 45 વર્ષીય કર્મચારી લાલભાઈ સરધારા દાગીનાનો થેલો લઈને જઈ રહ્યા હતા ત્યારે લૂંટારુઓએ તેમને આંતર્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, લાલભાઈ એક્ટિવા પર સોના-ચાંદીના દાગીના લઈ રિફાઈનરી ફેક્ટરી તરફથી શોરૂમમાં જઈ રહ્યા હતા.
આ દરમિયાન કારમાં આવેલા ત્રણથી ચાર શખ્સોએ દાગીનાનો થેલો આંચકવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારીએ પ્રતિકાર કરતાં લૂંટારુઓએ હથિયારથી ત્રણ રાઉન્ડ ફાયારિંગ કર્યા હતા અને દાગીના ભરેલો થેલો લૂંટી ફરાર થઈ ગયા હતા.
ફાયારિંગમાં ઘાયલ થયેલા લાલભાઈ સરધારાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મૃત્યુ થતા બનાવ લુંટની સાથે હત્યામાં પણ પલટાયો હતો.
બનાવની જાણ થતાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા,ડી.સી.પી.ક્રાઈમ જગદીશ બાંગરવા અને થોરાળા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને ઘટનાની વિગતો મેળવી હતી. થોરાળા પોલીસ મથકના પી.આઈ. એચ.સી. સોઢા સહિતની ટીમે તપાસ હાથ ધરી છે. લૂંટારુઓને ઝડપી પાડવા શહેરમાં નાકાબંધી કરી અલગ-અલગ દિશામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારની તપાસ તેજ કરી લુટારુઓ સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે.