શાઈ હોપની સદીની મદદથી વેસ્ટ ઈન્ડિઝના 247 રન ઃ ભારત 223માં ઓલઆઉટ, કીમો પોલની પાંચ વિકેટ ઃ 17મી ઓક્ટોબરે નિર્ણાયક ટક્કર
હૈદરાબાદ, તા. 14 ઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલા શ્રેણીના ચોથા ટી20 મેચમાં કેરેબિયન ટીમે શાઈ હોપની દમદાર સદીની મદદથી 247 રન કર્યા હતા. જેની સામે ભારતીય ટીમ 19.4 ઓવરમાં
223 રને ઓલઆઉટ થઈ હતી અને હારનો સામનો કરવો પડÎો હતો. શાઈ હોપ બાદ બોલિંગમાં વિન્ડિઝ તરફથી કીમો પોલ ત્રાટક્યો હતો અને મહત્વની પાંચ વિકેટ લઈને ભારતને લક્ષ્ય સુધી પહોંચતા રોક્યું હતું. આ સાથે જ પાંચ ટી20 મેચની શ્રેણી 2-2થી બરાબરીએ આવી છે. હવે 17મી ઓક્ટોબરે બેંગલોરમાં અંતિમ અને નિર્ણાયક ટી20 મેચ રમાશે. જેમાં જીત મેળવીને શ્રેણી કબજે કરવા માટે બન્ને ટીમ તનતોડ મહેનત કરતી જોવા મળશે.
શરૂઆતમાં સંજૂ સેમસને ભારતને ઝડપી શરૂઆત અપાવી હતી અને માત્ર ચાર ઓવરમાં સ્કોર 60 રને પહોંચાડી દીધો હતો. સેમસન 23 બોલમાં 56 રન કરીને આઉટ થયો હતો. બાદમાં ઈશાન કિશન પણ પાંચમી ઓવરમાં માત્ર છ રને પરત ફર્યો હતો. શ્રેયસ અય્યર 97ના કુલ સ્કોરે પેવેલિયન પરત ફર્યો હતો. આ દરમિયાન અભિષેક શર્મા અને તિલક વર્માએ બાજી સંભાળવાની કોશિશ કરી હતી. જો કે અભિષેક 24 બોલમાં 29 રન કરીને આઉટ થયો હતો. નમન ધીર પહેલા જ બોલે આઉટ થઈ જતા ભારતને વધુ એક ઝટકો લાગ્યો હતો. જ્યારે તિલક વર્મા 17મી ઓવરમાં છઠ્ઠી વિકેટના રૂપમાં પરત ફરી જતા ભારતની આશા ઉપર પાણી ફર્યું હતું. તિલક બાદ નિતિશ કુમાર 20 બોલમાં 41 રન કરીને આઉટ થયો હતો. મેચમાં અક્ષર પટેલની વિકેટ સાથે કીમો પોલે પાંચ વિકેટ પુરી કરી હતી. તેણે 19મી ઓવરમાં જ કુલ ત્રણ શિકાર કર્યા હતા.
આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. બેટિંગની શરૂઆત કરતા વિન્ડિઝ તરફથી કેપ્ટન શાઈ હોપે કોહરામ મચાવ્યો હતો. તાબડતોડ બેટિંગ કરતા માત્ર 50 બોલમાં શાનદાર સદી પુરી કરી હતી અને અંત સુધી નોટઆઉટ રહીને 102 રનની તોફાની ઈનિંગ રમી હતી. વિન્ડિઝને ધમાકેદાર શરૂઆત કરતા માત્ર 8 ઓવરમાં જ સ્કોર 110 રને પહોંચાડી દીધો હતો. ભારતે પહેલી સફળતા અક્ષર પટેલે જ્વેલ એન્ડ્રૂના રૂપમાં અપાવી હતી. બાદમાં નવમી ઓવરમાં પ્રિન્સ યાદવે શિમરોન હેટમાયરને આઉટ કર્યો હતો. તેણે 12 બોલમાં 33 રન કર્યા હતા. ત્રીજી સફળતા અર્શદીપને મળી હતી. જેણે ખતરનાક બની રહેલા રોવમેન પોવેલને 24 રને આઉટ કર્યો હતો. આ ઝટકા છતાં શાઈ હોપે એક છેડો સાચવી રાખ્યો હતો. હેટમાયર અને શેરફેન રૂધરફોર્ડ વચ્ચે 91 રનની ભાગીદારી થઈ હતી. હોપે 50 બોલમાં 102 રન કર્યા હતા. જ્યારે રુધરફોર્ડે 26 બોલમાં 49 રન કર્યા હતા.