• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

પડધરી પાસે રૂ.1.01 કરોડની વ્હેલ માછલીની ઉલટી સાથે 6 ઝડપાયા માધવ હોટલ પાસે સોદો થાય તે પહેલાં રૂરલ એસ.ઓ.જી.ની કાર્યવાહી

રાજકોટ, તા.13: પડધરી નજીક રાજકોટ-પડધરી નેશનલ હાઇવે પર આવેલી માધવ હોટલ પાસે વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ)ના ગેરકાયદે વેચાણનો સોદો થાય તે પહેલાં રાજકોટ રૂરલ એસ.ઓ.જી.એ દરોડો પાડી છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.1.01 કરોડની કિંમતનો 1 કિલો 20 ગ્રામ એમ્બરગ્રીસ સહિત કુલ રૂ.1.10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

    પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓમાં મોરબીના ભાનુ ઉર્ફે ભાવેશ ચાવડા, મેહુલ રાઠોડ, વિજયાસિંહ ઝાલા, જામનગરના પ્રશાંત જાટ અને સાવન જાટ તથા સિક્કાના ધર્મેન્દ્રાસિંહ કંચવાનો સમાવેશ થાય છે. ભાવેશ ચાવડા આ જથ્થો તારાપુરથી વેચવા માટે લાવ્યો હતો. આરોપીઓએ સિક્કાના ધર્મેન્દ્રાસિંહને રૂ.25 લાખમાં જથ્થો વેચવાનું નક્કી કર્યું હતું. ધર્મેન્દ્રાસિંહ આ જથ્થો અન્ય શખ્સને વેચવાનો હતો. જોકે, સોદો થાય તે પહેલાં જ એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી હતી.

પોલીસે એમ્બરગ્રીસ ઉપરાંત છ મોબાઇલ ફોન, એક સેલેરિયો કાર અને એક ઇકો કાર સહિત કુલ રૂ.1,10,80,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એફ.એ. પારગી અને તેમની ટીમે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક