મૃતકના માથામાં ઈજા જોવા મળી : ગુનો નોંધી પોલીસે શરુ કરી તપાસ
જામનગર,તા.13:
લાલપુરમાં નિવૃત્ત વીજકર્મી વૃદ્ધનો હત્યા કરેલો મૃતદેહ ગઈકાલે સાંજે તેમના ઘરમાંથી
મળી આવ્યો હતો. મકાનમાં કોઈ હલચલ ન જણાતા પાડોશીઓએ મૃતકના ભાઈને જાણ કરી હતી. સ્થાનિક
પોલીસ તથા એલસીબીની ટીમ તપાસમાં જોતરાઈ છે. મકાનમાંથી દાગીના તથા રોકડ ચોરાઈ ગયાની
આશંકા સેવાઈ રહી છે.
લાલપુરના
પારેખ બાગ રોડ પર વસવાટ કરતા અને થોડા વખત પહેલાં પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાંથી ફરજ
બજાવી નિવૃત્ત થયેલા મનસુખભાઈ રામજીભાઈ વાછાણી (ઉ.66) નામના વૃદ્ધનો મૃતદેહ ગઈકાલે
સાંજે તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. આજુબાજુમાં રહેતા લોકોને શંકા પડતા વૃદ્ધના નાનાભાઈ
મહેન્દ્રભાઈ વાછાણીને જાણ કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા તેમજ પોલીસને જાણ કરાતા લાલપુરના
ઈન્ચાર્જ પીઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફ તેમજ એએસપી પ્રતિભા દોડી ગયા હતા. પોલીસે મનસુખભાઈના
મૃતદેહને પીએમ માટે ખસેડી મહેન્દ્રભાઈને સાથે રાખી તપાસ કરતા ઘરમાંથી કેટલીક રોકડ તથા
દાગીના ગુમ હોવાનું જણાઈ આવ્યું છે.
પોલીસે
શરૂ કરેલી તપાસમાં મૃતકના માથામાં ઈજાના ચારથી પાંચ નિશાન જોવા મળ્યા છે. તેમજ કબાટનું
તાળ તૂટેલુ જોવા મળ્યું છે. મૃતકના ઘરમાં કામ કરતા શિતલબેન ગમારા તથા અક્ષય નામના બે
વ્યક્તિ ગુમ હોવાનું જણાઈ આવ્યું છે. મૃતકના ભાઈની ફરિયાદ પરથી પોલીસે લૂંટ તથા હત્યાનો
ગુનો નોંધી ઘરમાં કામ કરતા શિતલબેન તથા તેની સાથે સંકળાયેલા અક્ષયના શકદાર તરીકે નામ
નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.