વન વિભાગે સિંહણને પકડવાની ખાતરી આપતા પરિવારે લાશ સ્વીકારી
કોડિનાર, તા.14 ઃ ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વલાદર ગામે સિંહણે એક યુવકને ફાડી ખાધો છે. વલાદર ગામમાં ગત રાત્રિના સમયે 30 વર્ષીય યુવક મહેશ પ્રતાપ રાઠોડ પોતાનાં ઘરની બહાર સૂતો હતો. દરમિયાન ત્યાં આવી પહોંચેલી સિંહણે યુવાન પર હુમલો કરી તેને ઘસડીને લઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ઘરથી બે કિલોમીટર દૂર યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ ઘટનાને પગલે ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વનવિભાગ દ્વારા 10 લાખની સહાય આપવામાં આવે છે પરંતુ પરિવારજનોએ સહાય લેવાની અને મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. આટલી સહાયમાં મૃતકના પાંચ સંતાનનું ભરણપોષણ થઈ શકે નહીં. જેથી વધુ સહાયની માગ કરી હતી. જોકે, વન વિભાગે સિંહણને પકડવાની અને વધુ સહાયની રજૂઆત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપતા આખરે પરિવારજનો લાશ સ્વીકારવા તૈયાર હતા. હાલ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. મૃતક મહેશ રાઠોડના ભાઈ મુકેશ રાઠોડે જણાવ્યું કે, એ મજૂરી કરવા અહીંથી પોરબંદર ગયો હતો બે મહિના થયા છે. જામવાળા મારા દાદાનું અવસાન થયું હતું. જેથી તે ત્યાં આવ્યો હતો અને ત્યાંથી ઘરે વલાદર આવ્યો હતો. ઘરે એ એકલો હતો, બીજું કોઈ સાથે હતું નહીં. મારા પપ્પાને એ બધા ગામમાં રહેતા હતા. તે દરમિયાન આ બનાવ બન્યો હતો.
અમે સવારે જામવાળા ગયા હતા. જેથી અમને કાંઈ ખબર પડી નહીં. રાતે પરત આવ્યા ત્યારે મારા ભાઈ જોવા મળ્યો ન હતો. જેથી અમે કુટુંબવાળાને ફોન કરી જાણ કરી હતી.
પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. જે બાદ બે-ત્રણ લોકો સાથે રાતે તેને શોધવા ગયા હતા ત્યારે અમને આ બનાવની જાણ થતાં જ ગામલોકોને અને જંગલ ખાતાવાળાને જાણ કરી હતી. સિંહણ જોવા મળી હતી પણ હજુ તે પકડાઈ નથી.
4 પાંજરા મૂક્યા છે અને સ્ટાફ 24 કલાક કાર્યરત ઃ એસીએફ
જામવાળા એસીએફ પ્રભાકર કુમારે જણાવ્યું કે, લોકોની કેટલીક માગણીઓ છે જે અમે સાંભળી રહ્યા છીએ, જેમ કે અહીં વીજળીની થોડી સમસ્યા છે, તો અમે પીજીવીસીએલ સાથે માટિંગ કરીને તેમાં સુધારો કરીશું. આવી જે માગણીઓ છે, તેના પર અમે અમારી તરફથી જેટલું શક્ય બનશે એટલું પૂરું કરવાનો પ્રયાસ કરીશું. અત્યારે અમે 4 પાંજરા મૂક્યાં છે અને જો વધુ જરૂર જણાશે તો બીજાં પાંજરા પણ મૂકીશું. અમારો તમામ સ્ટાફ 24 કલાક કાર્યરત છે. અલગ-અલગ ટીમ બનાવવામાં આવી છે જેથી રોટેશનમાં કામ કરી શકાય. જ્યાં પણ આવી સમસ્યા કે ફરિયાદ આવે છે, ત્યાં અમે તાત્કાલિક કાર્યવાહી કરીએ છીએ.
જંગલ કરતા બાગાયતમાં વધારે સિંહ રહે છે ઃ પૂર્વ સરપંચ
વલાદર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હનીફ મકરાણીએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આવી ઘટનાઓ દીપડા અને સિંહ દ્વારા બનતી રહે છે અને કોઈનાં મા-બાપને કે કોઈના દીકરાને મારી નાખે છે. વારંવાર અધિકારીઓને જાણ કરીએ છીએ. અમારે અહીંયા ગીર કાંઠાનું ગામ છે તે 90 ટકા બાગાયત છે. જંગલ કરતાં બાગાયતમાં વધારે સિંહ રહે છે. મારી નમ્ર વિનંતી છે મંત્રી અર્જુન મોઢવાડિયાને કે, સરકારમાં રજૂઆત કરે, જેનાં ઘરના મોભીને સિંહ ખાઈ જાય છે અને એનાં બાળકો હેરાન થાય, એને જીવન જીવવા માટે રૂ. 40 લાખ જેવું વળતર આપવું જોઈએ.