• શુક્રવાર, 12 જૂન, 2026

સલાયામાં ગેરકાયદે રેતી ખનન કરતા બે શખસને ઝડપી લેવાયા

જેસીબી અને ડમ્પર સહિત કુલ 26 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કરાયો

સલાયા, તા.10 : સલાયામાં ગેરકાયદે રેતી ખનન કરતા બે શખસને ઝડપી લઈ સલાયા મરીન પોલીસે એક જેસીબી અને ડમ્પર સહિત કુલ રૂ.26.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

સલાયા મરીન પોલીસના સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અૉમદેવાસિંહ જાડેજા તેમજ પીઠાભાઈ જોગલ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, સલાયા-ગોઇંજ રોડ વચ્ચે આવેલા ઘી નદીના પટમાં કોઝવે સાઇડ ગેરકાયદે રેતી ખનન કરી અને લઈ જવાઈ રહી છે. જેથી સલાયા મરીન પોલીસે સ્થળે તપાસ કરતા ત્યાં જેસીબી દ્વારા માટી એક સાઇડ કરી પાણી ભરેલા ખાડામાંથી ચોખ્ખી રેતી ડમ્પરમાં ભરતા બે ડ્રાઇવરને ઝડપી લેવાયા હતા. આ બન્ને શખસને મંજૂરી વિના સરકારી ખરાબામાંથી રેતી ખનન કરતા પકડી વાહન માલિક વિરુદ્ધ ગેરકાયદે ખનિજ ખનન અને ચોરી બાબતે દ્વારકા જિલ્લા ખાણ ખનિજ વિભાગને કાર્યવાહી કરવા રિપોર્ટ મોકલાયો હતો તેમજ એક જેસીબી અને એક ડમ્પર સહિત કુલ 26 લાખ 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં સલાયા મરિન પોલીસના વિપુલ ડાંગર, બોઘાભાઈ કેસરિયા, દિલીપ ખાચર વગેરે જોડાયા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક