અળવ ગામના પિતા-પુત્રની પોલીસે કરી ધરપકડ : પ્રેમ સંબંધ મામલે થઈ હતી યુવકની હત્યા
બોટાદ,
તા.9 : પ્રેમ સંબંધના મામલે બોટાદના યુવક હર્ષ ચૌહાણની હત્યાના ચકચારી કેસમાં પોલીસે
રાણપુર તાલુકાના અળવ ગામના વલ્લભ શીવા જાદવ અને તેના પુત્ર પારસ શીવા જાદવને ઝડપી લીધા
છે જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર હોવાથી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડીવાયએસપી
મહર્ષિ રાવલે સમગ્ર ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટાદના ખોડિયારનગર વિસ્તારમાં
રહેતા હર્ષ ચૌહાણને અળવ ગામની એક પરિણીત યુવતી સાથે પ્રેમ સબંધ હતો. આ બાબતને લઈને
યુવતીના પિયર પક્ષ અને સાસરી પક્ષના કેટલાક સભ્યોમાં રોષ ફેલાયો હતો. પ્રેમ સંબંધ બાબતનું
સમાધાન પણ થઈ ગયું હતું. તે વાતની દાજ રાખી ગત. 5ની રાત્રે હર્ષ ચૌહાણને કાનિયાડ ગામે
બોલાવી હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હર્ષને આરોપીઓ
ખાળિયામાં ફેંકી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી તેને પ્રથમ બોટાદ અને ત્યારબાદ
વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું
મૃત્યુ નીપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે મૃતકના ભાઈ કરણભાઈ ચૌહાણે
રાણપુર પોલીસ સ્ટેશનમાં પરેશ ભરતભાઈ ચૌહાણ, ભરત મોહનભાઈ ચૌહાણ અને વલ્લભ શિવાભાઈ અને
પારસ વલ્લભભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ દરમિયાન વલ્લભ શીવા જાદવ
અને પારસ શિવા જાદવની ધરપકડ કરી છે જ્યારે કાનિયાડ ગામના પરેશ ભરત ચૌહાણ અને ભરત મોહન
ચૌહાણ હજુ ફરાર હોવાથી તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો કામે લગાડવામાં આવી
છે.