• શુક્રવાર, 12 જૂન, 2026

પોરબંદરના રંગબાઈ કિનારે રૂ. 5.58 લાખના ચરસના બે પેકેટ તણાઈ આવ્યા

પોલીસે 2 કિલો 232 ગ્રામ નશીલો જથ્થો કબજે કરી ગુનો નોંધી તપાસ તેજ કરી

પોરબંદર, તા.10 : જિલ્લાના દરિયા કાંઠે ડ્રગ્સના જથ્થા મળી આવવાની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોરબંદર નજીક રંગબાઈ વિસ્તારમાં દરિયા કિનારે ચરસના બે પેકેટ તણાઈ આવતા પોલીસે કુલ રૂ. 5.58 લાખ કિંમતનો 2 કિલો 232 ગ્રામ નશીલો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથાસિંહ જાડેજાની સૂચના મુજબ દરિયા કાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રાલિંગ અને ચાકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓના મતે દેશવિરોધી તત્ત્વો દ્વારા ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો નિષ્ફળ જતા નશીલા પદાર્થોના જથ્થા દરિયામાં ફેંકી દેવામાં આવતા હોય છે. ત્યારબાદ દરિયાના પ્રવાહ સાથે આવા પેકેટો કિનારે તણાઈ આવતા હોય છે. દરમિયાન હાર્બર મરીન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રાલિંગમાં હતા ત્યારે ઓદેદર ગામના સ્મશાન અને રંગબાઈ મંદિર વચ્ચે, દાદીમાના દેશીભાણું હોટલ પાછળના દરિયા કિનારે શંકાસ્પદ પેકેટો જોવા મળ્યા હતા. તપાસ કરતાં તેમાં મારીજુઆના હશીશ (ચરસ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બન્ને પેકેટો કબજે કરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. દરિયા માર્ગે ડ્રગ્સની હેરાફેરીના સંકેતોને ધ્યાનમાં રાખી પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક