નિષ્ફળતાઓ છુપાવવા પાકિસ્તાનનો પ્રયાસ : વિદેશ મંત્રાલય : મૃત્યુઆંક
રાવલકોટ,
તા. 9 : પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)ના રાવલકોટ વિસ્તારમાં પાકિસ્તાની
સુરક્ષા દળોએ શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં 30થી
વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ સાંપડી રહ્યા છે.
આ મામલે ભારતે પાકિસ્તાનને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, આ પાકિસ્તાન દ્વારા નિષ્ફળતાઓ
છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. એક મીડિયા હેવાલ મુજબ,
પીઓકેમાં બર્બરતાના અહેવાલોના પગલે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે
જણાવ્યું હતું કે, પાકિસ્તાન માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. પીઓકેમાં ગંભીર
પોલીસ બર્બરતાના પરિણામે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘાયલ થયા છે. આ પાકિસ્તાન દ્વારા
પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે તેમ
જણાવ્યું હતું. આર્થિક અને રાજકીય ફરિયાદો પર પીઓકેમાં વિરોધ પ્રદર્શનોનું નેતૃત્વ
કરનારા એક મુખ્ય નાગરિક સમાજ ગઠબંધન, યુનાઇટેડ અવામી એક્શન કમિટી (જેએએસી) પર પાકિસ્તાને
પ્રતિબંધ મૂક્યા બાદ અથડામણ શરૂ થઈ હતી.