• શુક્રવાર, 12 જૂન, 2026

સોના-ચાંદી સસ્તા : ડયુટીની અસર ધોવાઇ ગઇ !

રાજકોટ,તા.10:(ફૂલછાબ ન્યૂઝ) સોનું કે ચાંદી ખરીદવા ઇચ્છતો વર્ગ ઉંચા ભાવને લીધે શાંત પડી ગયો હતો. જોકે હવે ફરીથી સક્રિય થાય તેમ છે. સોનાની આયાત ઓછી થાય એ માટે કેન્દ્રએ લગાડેલી જકાતની અસર ધોવાઇ ચૂકી છે. વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં ભારેખમ કડાકા બોલી જતા સોનું ફરીથી સસ્તું બની ગયું છે. મહિના કરતા ઓછાં સમયમાં સોનાનો ભાવ રૂ. 11 હજાર અને ચાંદીનો ભાવ રૂ. 35 હજાર તૂટી ગયો છે.

રોકાણકાર અને ઝવેરાત ખરીદવા ઇચ્છતા લોકો માટે ધાતુઓ ફરીથી આકર્ષક બની ગઇ છે, એ સરકારની ચિંતા વધારી શકે છે. જોકે ઉંચી જકાતને લીધે હવે દાણચોરી પણ વધવા લાગી છે. 13મી મેના દિવસે સરકારે આયાત જકાત સેસ સાથે 15 ટકા કરી છે, જે 6 ટકા હતી. સોનાનો ભાવ તેની અસરથી રૂ. 6500 વધી ગયો હતો અને ચાંદી રૂ. 13 હજાર વધી ગઇ હતી. જોકે દુનિયાભરમાં ડોલરના મૂલ્યમાં સોનાના ભાવ તૂટતા જતા હોવાથી હવે ડ્યૂટી લાગી તે પૂર્વે હતા તેનાથી નીચાં ભાવ થઇ ચૂક્યાં છે.

રાજકોટમાં સોનાનો ભાવ 24 કેરેટ શુધ્ધતામાં રૂ. 1,48,000 થઇ ગયો છે. જે ડ્યૂટી પહેલા રૂ. 1,52,500 અને ડ્યૂટી પછી રૂ. 1,59,000 થયો હતો. આમ રૂ. 11 હજાર તૂટ્યાં છે.

ચાંદીમાં સોના કરતા મોટો કડાકો સર્જાતા એક કિલોના રૂ. 2,35,000 થઇ ગયા છે. ડ્યૂટી લાગી તે પૂર્વે રૂ. 2,57,000 હતી. જોકે વધીને રૂ. 2,70,000 સુધી ગયેલી ચાંદી એક મહિના કરતા ઓછાં ગાળામાં રૂ. 35 હજાર તૂટી ગઇ છે.

સોનાની આયાત ઘટાડીને સરકાર ચાલુ ખાતાની ખાધ હળવી કરવા ઇચ્છતી હતી. જોકે ધાતુઓ સસ્તી થવાને લીધે મૂળભાવથી નીચે ગઇ છે એટલે ઝવેરી બજારમાં દાગીના અને લગડીઓની માગમાં બે દિવસથી થોડો વધારો દેખાયો છે તેમ પેલેસ રોડના એક ઝવેરીએ કહ્યું હતું. લગ્નસરા માટેની ખરીદી પણ હવે ભાવ સ્થિર થાય તો સાધારણ વધી શકે છે.  અલબત્ત અગાઉની 6 ટકા જકાત સામે હવે 15 ટકા અને 3 ટકા જીએસટી લાગતો હોવાથી દાણચોરીના કામકાજ ધીરે ધીરે વધવાનું શરૂ થયું છે. ક્રૂડ તેલની તેજીને લીધે ફુગાવાનો દર વધી જશે અને દુનિયાભરની બેંકોએ વ્યાજદરમાં ફરીથી વધારો કરવો પડશે તેવી અટકળો ઉપર સોના ચાંદીમાં ભારે વેચવાલી દેખાઇ છે.

ઇ-પેપરના નવા શુલ્ક