• શુક્રવાર, 12 જૂન, 2026

ગતિશીલ ગુજરાત માટે અમદાવાદ મેટ્રો વિસ્તરણને મંજૂરી

વડાપ્રધાન મોદીનાં વડપણ હેઠળ કેબિનેટની 2169 કરોડના ખર્ચે વધુ છ કિ.મી. કોરિડોરને લીલીઝંડી  

અમદાવાદ-ગાંધીનગરનો સેતુ મજબૂત થશે:  70, 125 કરોડના ખર્ચે 62500 કિ.મી.ના નવા માર્ગો બનાવી, સંપર્કવિહોણા વિસ્તારો દેશ સાથે જોડવાની પહેલ પણ મંજૂર

નવી દિલ્હી, તા. 10 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એનડીએ સરકારને 12 વર્ષ?પૂરાં થયાં છે, ત્યારે મળેલી કેન્દ્રીય પ્રધાન મંડળ (કેબિનેટ)ની બેઠકમાં બુધવારે 2169 કરોડના ખર્ચે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તારને મંજૂરી સહિત મહત્ત્વના ફેંસલા લેવાયા હતા. અમદાવાદ મેટ્રોની સાથોસાથ દેશના સંપર્કવિહોણા વિસ્તારોને જોડવાની મહત્ત્વાકાંક્ષી કવાયતરૂપે સરકારે 62,500 કિલોમીટર જેટલા રસ્તાઓ બનાવવા 70,125 કરોડ રૂપિયાના ખર્ચે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નિર્માણકાર્યને મંજૂરી આપી હતી. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાત સંકલ્પ લીધા હતા.

કેબિનેટની બેઠકમાં અમદાવાદ મેટ્રોના ફેઝ-2-એ હેઠળ 6.032 કિલોમીટરના કોરિડોરને મંજૂરી અપાઈ હતી, જેમાં પાંચ નવાં સ્ટેશન બનાવશે. ચાર એલિવેટેડ અને એક અંડરગ્રાઉન્ડ હશે.

આ કોરિડોરમાં આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી નદી, સરદાર નગર અને એરપોર્ટ એવાં નામ સ્ટેશનોને અપાશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ફેંસલા અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદ મેટ્રોનાં નિર્માણની કામગીરીથી બે હજાર લોકોને રોજગાર મળશે.

આ નવો મેટ્રો કોરિડોર શ્રેષ્ઠ કનેક્ટિવિટી, ટ્રાફિકજામની સમસ્યાથી છૂટકારો, પર્યાવરણને લાભ, આર્થિક વિકાસ અને જીવનની સારી ગુણવત્તાના વચનો આપે છે.

રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સંપર્કનો સેતુ આ કોરિડોરથી વધારે મજબૂત બની જશે, તેવું કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકની જાણકારી આપતાં જણાવ્યું હતું. આ કોરિડોરના બીજા તબક્કાના વિસ્તારનો હેતુ રહેણાક અને કોમર્શિયલ (ધંધાદારી) મહત્ત્વના વિસ્તારો સહિત  ખાસ ક્ષેત્રને હાલના અમદાવાદ-ગાંધીનગર સાથે સરળતાથી જોડવાનો છે.

એ સિવાય વર્લ્ડ પોલીસ ગેમ્સ 2029 અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે આસપાસ રમતોની સુવિધાઓ પણ ઊભી થવાની સંભાવના છે.

અમદાવાદ મેટ્રો રેલ કોરિડોર સ્થાનિક લોકો તેમજ મુલાકાતીઓ માટે શહેરી ગતિશીલતાને વધુ સુગમ, સરળ બનાવશે.

મેટ્રો રેલ નેટવર્કને એરપોર્ટ સુધી લંબાવવાની સાથે અમદાવાદની અંદરના વિસ્તારોમાં ટ્રાફિકજામની સમસ્યા હળવી બનશે. આર્થિક ગતિવિધિ, પ્રવાસનને પણ વેગ મળશે.

અમદાવાદ મેટ્રોના બીજા દોરની કામગીરી સંપન્ન થઇ જતાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો નેટવર્કનો વ્યાપ વિસ્તરીને કુલ્લ 77.63 કિલોમીટરનો થઇ જશે.

દરમ્યાન આંધ્રપ્રદેશના અમરાવતીને વિકસિત કરવાની દિશામાં પણ મોદી સરકારે મહત્ત્વનું પગલું લીધું છે. કેબિનેટ બેઠકમાં  2533 કરોડના ખર્ચે યોજનાને લીલી ઝંડી અપાતાં અમરાવતીમાં સરકારી  કાર્યાલયો અને રહેણાક માળખાંનો વિકાસ થશે.

દેશની અર્થવ્યવસ્થાને ભવિષ્ય માટે તૈયાર કરવાના હેતુ સાથે પીએમ મોદીએ કૌશલ્ય વિકાસને પ્રાથમિકતા, સ્ટાર્ટઅપ ઈંડિયા પહેલ સાથે લોકોને જોડવા, નવતર શોધો, ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ, રમતજગત માટે મહત્ત્વના ફેંસલા લેવા, ઉદ્યોગ સાહસિકતા પર ભાર મૂકવાની અપીલ, ફિટનેસ માટે કાર્યક્રમ ચલાવવાનું આહ્વાન જેવા સાત સંકલ્પ રજૂ કર્યા?હતા.

ઇ-પેપરના નવા શુલ્ક