• મંગળવાર, 28 એપ્રિલ, 2026

પંજાબની રન રફતાર પર અંકુશ મુકવાનો રાજસ્થાન સામે પડકાર

ન્યૂ ચંદિગઢ, તા.27: પાછલા કેટલાક મેચમાં અપેક્ષિત પરિણામ હાંસલ ન કરી શકનાર રાજસ્થાન રોયલ્સનો મંગળવારના મેચમાં અજેય ટીમ પંજાબ કિંગ્સનો સામનો થશે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના બોલર્સ સામે પંજાબની રન રફતાર રોકવાનો સૌથી મોટો પડકાર રહેશે. રિકી પોન્ટિંગે કોચ પદ અને શ્રેયસ અય્યરે કપ્તાની સંભાળ્યા બાદ પંજાબ કિંગ્સ ટીમની કાયાપલટ થઇ છે. આ ટીમ સતત શાનદાર દેખાવ કરી રહી છે. ગત વર્ષની ઉપવિજેતા ટીમને વર્તમાન સીઝનમાં કોઇ ટીમ હાર આપી શકી નથી. પાછલા મેચમાં દિલ્હી કેપિટલ્સે 26પ રનનો મહાકાય સ્કોર ખડક્યો હતો. છતાં 7 દડા બાકી રહેતા હાર સહન કરી હતી. રેકોર્ડબ્રેક ટાર્ગેટ ચેઝ કર્યા પછી શ્રેયસ અય્યરને ટીમ સાતમા આસમાને છે. બીજી તરફ વૈભવ સૂર્યવંશીની 12 છક્કા સાથેની સદીથી 228 રન કરવા છતાં રાજસ્થાન રોયલ્સને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આંચકારૂપ હાર સહન કરવી પડી હતી. આ હારથી રાજસ્થાનની છાવણી હતપ્રભ છે.

અય્યરની કપ્તાનીમાં પંજાબ કિંગ્સ ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. 7 મેચમાં 6 જીતથી પંજાબ અજેય છે. એક મેચ વરસાદમાં ધોવાયો હતો. તેના બે ઓપનર પ્રિયાંશ આર્ય-પ્રભસિમરન સિંઘ જોરદાર ફોર્મમાં છે અને પાવર પ્લેમાં રનનો અંબાર રચી રહ્યા છે. પંજાબ કિંગ્સ હોમ ગ્રાઉન્ડ પર આખરી મેચ રમશે. પછીના ત્રણ ઘરેલુ મેચ ધર્મશાલામાં રમશે.

બીજી તરફ રાજસ્થાન રોયલ્સનો બેટિંગ ભાર 1પ વર્ષ વૈભવ વેંઢારી રહ્યો છે. યશસ્વી જયસ્વાલ પાછલા કેટલાક મેચથી રન કરી શકયો નથી. કપ્તાન રિયાન પરાગે 8 ઇનિંગમાં ફકત 88 રન કર્યાં છે. ધ્રુવ જુરેલ ટૂકડામાં દેખાવ કરે છે. ખરાબ ફિલ્ડીંગને લીધે જ રાજસ્થાન પાછલા મેચમાં સનરાઇઝર્સ સામે 229 રનના લક્ષ્યનો બચાવ કરી શકી ન હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક