• બુધવાર, 29 એપ્રિલ, 2026

મુંબઇને વિજયની પ્રતિક્ષા : આજે હૈદરાબાદ વિરુદ્ધ નિર્ણાયક મુકાબલો

MI ઇલેવનમાં રોહિત શર્માની વાપસી થઇ શકે છે

મુંબઇ, તા.28: આઇપીએલ-2026 સીઝનના 40 મેચ રમાઇ ચૂક્યા છે અને હવે પ્લેઓફની રેસ તેજ બની ચૂકી છે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ બે એવી ટીમ છે જે પ્લેઓફમાં એન્ટ્રી કરવાની મુખ્ય દાવેદાર છે. બાકીની બે ટીમમાં હાલ રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આગળ છે. ગુજરાત ટાઇટન્સ પાંચમા ક્રમે રહી પ્લેઓફની રેસમાં ટકી રહી છે જ્યારે પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમ હાલ પોઇન્ટ ટેબલ પર નવમા સ્થાને લટકી રહી છે. તેના ખાતામાં 7 મેચમાં ફકત 2 જીત છે. હવે મુંબઇ માટે દરેક મેચ કરો યા મરો સમાન છે. બુધવારે હાર્દિક પંડયાની ટીમનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. આ ટીમ તેના પાછલા ચાર મેચમાં વિજયનો ચોક્કો ફટકારી ચૂકી છે. આથી હૈદરાબાદ વિરુદ્ધ મુંબઇની રાહ કઠિન છે. જીતની શોધમાં ઉતરનાર મુંબઇ માટે સારી વાત એ છે કે ટીમનો સિતારા બેટધર રોહિત શર્મા મેદાનમાં લગભગ ઉતરશે. તેણે મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં ભરપૂર નેટ પ્રેક્ટિસ કરી વાપસીનો સંકેત આપી દીધો છે.

હાર્દિક પંડયાની કપ્તાનીમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ વર્તમાન આઇપીએલ સીઝનમાં હજુ સંતુલિત અને સાતત્યસભર દેખાવ કરી નથી. હોમ ગ્રાઉન્ડ પર તેને પાછલા મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ 103 રનની કારમી હાર મળી હતી. રોહિતની ગેરહાજરીમાં મુંબઇની બેટિંગ લાઇનઅપને અસર થઇ છે. સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડયા સહિતના બેટધરો રન કરી શક્યા નથી. તિલક વર્મા એક સદી સિવાય ઝળક્યો નથી. બુમરાહ અસરદાર છે, પણ સામે છેડેથી સાથ ન મળવાથી તે વિકેટ લઇ શકતો નથી. સનરાઇઝર્સ સામે જીતની શોધમાં મેદાનમાં ઉતરનાર મુંબઇએ ક્ષમતા અનુસાર દેખાવ કરવો પડશે.

બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ જીતના ક્રમ પર શાનદાર વાપસી કરી ચૂકી છે. પાછલા 4 મેચની જીતથી ટીમનું મનોબળ મજૂબત છે. કપ્તાન કમિન્સની પણ વાપસી થઇ ચૂકી છે. તેની કપ્તાનીમાં પાછલા મેચમાં સનરાઇઝર્સે 226 રનનો વિજય લક્ષ્યાંક પાર પાડી રાજસ્થાનને હાર આપી હતી. ટીમની મુખ્ય તાકાત અભિષેક શર્મા અને ઇશાન કિશનનું પાવર હિટિંગ છે. આ બે બેટરને હેનરિક કલાસેન સાથ આપી રહ્યો છે. કમિન્સની આગેવાનીમાં સનરાઇઝર્સ બોલિંગમાં વધુ ધાર આવી છે.

વાનખેડે સ્ટેડિયમની લાલ માટીની પિચ બેટધરો માટે ર્સ્વગ માનવામાં આવે છે. ઝાકળને લીધે ટોસ જીતનાર ટીમ અહીં પહેલા બોલિંગ પસંદ કરશે.

ઇ-પેપરના નવા શુલ્ક