અમરેલી, તા.27: ચિત્તલથી કેટલાક શખસો વાહનમાં બાબરા તાલુકાના બળેલ પીપરિયા વિસ્તારમાં રખડતા ભટકતા નાના વાછરડાઓ ચોરી કરી અને કતલ કરવાના ઇરાદે વાહનમાં ભરી ચિત્તલ મુકામે લઈ જવાના છે. તેવી ગત તારીખ 17/4/19ના ગજેન્દ્રભાઈ શેખવા નામનાં ગૌભક્તને બાતમી મળી હતી. જેથી આ ગૌભક્તે જીવદયા ટીમના સભ્ય સાથે પોલીસ કંટ્રોલને જાણ કરતાં સૌ બાતમીવાળી જગ્યાએ વોચમાં હતા. દરમિયાન એક ગાડી નીકળતા તેની તપાસ કરતા તેમાં રમજાન અલી મોહમ્મદ અલી કાલવા તથા મોસીનભાઈ ઉસ્માનભાઈ કાલવા હતા. જ્યારે ડેકીમાં ત્રણ વાછરડા ક્રૂરતાપૂર્વક હલન-ચલન ન કરી શકે તે રીતે પુરેલા હતા અને એક વાછરડો સીટની વચ્ચે બેસાડેલ હતો. આ અંગે જે તે સમયે ગજેન્દ્રભાઈએ પોલીસમાં ફરિયાદ કરી હતી. આ અંગેનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી. મહેતાની દલીલો તથા રજૂ કરેલા પુરાવાઓને આધારે સેશન્સ જજ રીઝવાનાબેન બુખારી દ્વારા ગુના માટે તકસીરવાન ઠરાવી આરોપી રમજાનઅલી મોહમ્મદ અલી કાલવા તથા મોસીનભાઈ ઉસ્માનભાઈ કાલવાને 7 વર્ષની સખત કેદની સજા તથા દરેકને રૂ.1,05,50નો દંડનો હુકમ કર્યો છે.