• બુધવાર, 29 એપ્રિલ, 2026

ઓપેક છોડવા યુએઈનું એલાન

દુનિયામાં ઈંધણ સંકટ વચ્ચે ઝટકારૂપ ઘટનાક્રમ : પુરવઠો જાળવવાની ઓઈલ ઉત્પાદક દેશોનાં સંગઠનની ક્ષમતા ઘટશે

નવી દિલ્હી, તા.28: વૈશ્વિક ઓઈલ કારોબારને એક મોટા ઝટકારૂપ ઘટનાક્રમમાં સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ ઓઈલ ઉત્પાદક સંગઠન-ઓપેક અને તેને સંલગ્ન તમામ ઉત્પાદક સમૂહોને છોડવાની ઘોષણા કરી છે. જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઈરાન યુદ્ધના કારણે ઊર્જા ક્ષેત્રમાં ઉથલપાથલ મચેલી છે અને વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થા અસ્થિર બની ગઈ છે.

નિર્ણયને ઓપેક સંગઠન માટે એક મહત્ત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવે છે કારણ કે યુએઈ મુખ્ય ઓઈલ ઉત્પાદક દેશ પૈકી એક છે. તેનું પગલું ઓપેકની શક્તિને કમજોર કરશે. સાઉદી અરબ સાથે યુએઈ એવા દેશોમાં સામેલ હતું જેમણે વધારાની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને તેના દ્વારા સંગઠન વૈશ્વિક તેલ બજારને પ્રભાવિત કરતું હતું. આવા સમયે યુએઈનુ ઓપેકમાંથી બહાર થવું સંગઠનની ક્ષમતાને અસર કરી શકે છે. હાલ તેની તાત્કાલિક અસર મર્યાદિત રહી શકે છે, કારણ કે હોર્મુઝ જળમાર્ગમાં ચાલી રહેલા તણાવ અને અવરોધ પહેલેથી પુરવઠાને અસર કરી રહ્યા છે. પરંતુ લાંબા ગાળે પગલેં વધુ અસર કરશે.

નિષ્ણાતો માને છે કે સંગઠન છોડયા પછી યુએઈને ઉત્પાદન વધારવાની વધુ સ્વતંત્રતા મળશે. આથી સાઉદી અરબની બજારને સ્થિર રાખવાની ભૂમિકાને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે. હાલની પરિસ્થિતિ ભવિષ્યમાં તેલ બજારને વધુ અસ્થિર બનાવી શકે છે, કારણ કે પુરવઠાનું સંતુલન જાળવવાની ઓપેકની ક્ષમતા ઘટી શકે છે.

યુએઈ લાંબા સમયથી ઓપેકમાં સદસ્ય રહ્યું છે. તે 1967માં અબુ ધાબી અમીરાત તરીકે સંગઠનમાં જોડાયું હતું અને 1971માં સ્વતંત્ર દેશ બન્યા બાદ પણ સભ્યપદ ચાલુ રાખ્યું હતું. જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં યુએઈએ મધ્યપૂર્વમાં પોતાની સ્વતંત્ર વિદેશ નીતિને વધુ સક્રિય રીતે આગળ ધપાવી છે, જે અનેક મુદ્દાઓ પર સાઉદી અરબની નીતિઓથી અલગ રહી છે. જ્યારે મોહમ્મદ બિન સલમાનના નેતૃત્વ હેઠળ સાઉદી અરબે વૈશ્વિક રોકાણ માટે પોતાના દેશમાં દરવાજા ખોલ્યા, ત્યારે બંને દેશો વચ્ચે આર્થિક સ્પર્ધા વધી ગઈ હતી, જેના કારણે સંબંધોમાં તણાવ પણ જોવા મળ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક