જેતલસર, તા.6 : જેતલસર પંથકના જૂની સાંકળી ગામે રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતાની મગજની બીમારીની સારવાર અર્થે નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેણે સેનેટરીના વેપારી ત્રિપુટી પાસેથી રૂ.1.50 લાખ વ્યાજે લીધા હતા. જે નાણાં પેટે 10% વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતાં યુવાનને ફિનાઈલ ગટગટાવ્યું હતું. બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી ત્રણેય વ્યાજખોરોની ધરપકડ કરી હતી.
બનાવ
અંગે જેતલસર પંથકના જૂની સાંકળી ગામે રાદડિયા શેરીમાં રહેતા 28 વર્ષીય રાજેન્દ્રભાઈ
ઉર્ફે અંકિતભાઈ કનુભાઈ પંડયાએ આરોપી તરીકે ધવલ વોરા, શૈલેષ ઉસદડિયા અને હિરેન ભુવાનું
નામ આપતાં જેતપુર તાલુકા પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી
આદરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું
કે, આરોપી શૈલેશ ઉસદડીયા તથા ધવલ વોરા જેમની જેતપુર અમરનગર રોડ ઉપર બંસરી સેનીટરી પાઈપ
નામની દુકાન આવેલી છે યુવાનને1.50 લાખની દવાખાના કામે જરૂર હોય જેથી આ રકમ દસ ટકાના
વ્યાજે લેવાનું નક્કી થયેલુ હતું. ગઇ તા.25/12/2025 ના ધવલ વોરાએ 1.50 લાખ જેમાથી દસ
ટકા વ્યાજ પેટે રૂ.15 હજાર કાપી રૂ.1.35 લાખ રોકડા આપેલા હતા. જેની સામે દર મહિને વ્યાજ
પેટે રૂ. 15 હજાર અને મૂળ રકમ પેટે રૂ.25 હજાર જમા કરાવવાનું નક્કી થયેલું હતું. નાણા
લીધા બાદ એક મહિના પછી હિરેનને વ્યાજ તથા હપ્તાની રકમ સહિત રૂ.40 હજાર જમા કરાવેલા
હતા.બાદ બીજો હપ્તો આપવા સમયે પૈસાનો મેળ નથી થતાં આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી
આપતા યુવાને વ્યાજના વિષચક્રથી કંટાળી પીપળવા ગામના પાટિયા નજીક આપઘાતનો પ્રયાસ કર્યો
હતો. તાલુકા પોલીસના પી.આઈ હેરમા સહિતના સ્ટાફે નાણાધિરાણ કરનાર ત્રિપુટીને ઝડપી કાર્યવાહી
હાથ ધરી હતી.