• શનિવાર, 07 માર્ચ, 2026

મોરબીના રફાળેશ્વરમાં ધારદાર લાદીના ઘા ઝીંકીને યુવકની હત્યા

બે દિવસ પહેલા મિત્રોએ કરેલો હુમલો જીવલેણ નીવડયો, સારવારમાં રહેલા યુવકે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો

મોરબી, તા.6 :  મોરબીના રફાળેશ્વર વિસ્તારમાં મિત્રોએ જ યુવક પર જીવલેણ હુમલો કરતા હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવમાં ધારદાર લાદીના ઘા વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા યુવકનું બે દિવસની સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકર નગરમાં રહેતો ભરત જગદીશભાઈ ચૌહાણ (ઉં.વ. 30) નામનો યુવક રફાળેશ્વર વિસ્તારમાં આવેલી કૈલાશ નામની ફેક્ટરી પાસે બે દિવસ પૂર્વે હાજર હતો. તે સમયે પ્રદીપ કોળી અને ગોપાલ ઝાપડાએ ધારદાર લાદીના કટકા વડે ભરતના પેટના ભાગે ઘા મારતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.

 ઈજાગ્રસ્ત ભરતને તાત્કાલિક મોરબી સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન આજે તેનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ હત્યામાં પલટાતા હોસ્પિટલ ચોકીના પોલીસ સ્ટાફે તરત જ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસે હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર મૃતકના માતા દયાબેન ઘટના સમયે જામનગર રહેતી દીકરીને હોળીનો હારડો આપવા ગયા હતા અને ઘરે પરત ફર્યા બાદ તેમને પુત્ર પર હુમલો થયાની જાણ થઈ હતી. મૃતક ભરતના પિતા હયાત નથી અને તે બે ભાઈ તથા એક બહેનમાં બીજા નંબરનો હતો. ભરત માનસિક રીતે બીમાર હોવાથી રખડતું ભટકતું જીવન જીવતો હતો. હાલ આ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપી પ્રદીપ કોળી, ગોપાલ ઝાપડાની સંડોવણી અંગે તપાસ હાથ ધરવામાં આવી છે અને હત્યા પાછળનું સાચું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026