• શુક્રવાર, 06 માર્ચ, 2026

ગોંડલમાં યુવકે રંગ ઉડાડતા બોલાચાલી, સગીરા બીજા માળેથી કૂદી

ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ

ગોંડલ, તા.5 : ગોંડલમાં ધુળેટીનાં દિવસે ફેક્ટરીની કોલોનીમાં સગીરાને યુવકે રંગ ઉડાડતા ડખ્ખો થયો હતો. તેમાં લાગી આવતા 15 વર્ષીય સગીરા બીજા માળેથી કૂદી ગઈ હતી. તેને પહેલા ગોંડલ સિવિલ હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં દાખલ કરાઈ હતી.

 પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ગુજરાત સ્પાનિંગ કંપનીની કોલોનીમાં રહેતી સગીરા ધુળેટીની બપોરે 3 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતી. ત્યારે કંપનીની કોલોનીમાં બીજા માળેથી કૂદી જતા તેને તત્કાલ ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સગીરાને પગે-શરીરે ઈજા થઈ છે. બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીરાનું નિવેદન લેવા તજવીજ કરી હતી. સગીરાનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે. પિતા કારખાનામાં મજૂરી કરે છે. ગઇકાલે ધુળેટી હોવાથી સગીરા બપોરે કારખાનાની કોલોનીમાં ધુળેટી રમતી હતી. ત્યાં કારખાનાની રૂમમાં જ રહેતો એક પરપ્રાંતિય યુવક પણ ધુળેટી રમતો હતો. તેણે સગીરાને પકડી ચહેરા ઉપર અને શરીરે રંગ લગાવ્યો હતો. જેથી સગીરાએ તેની માતાને અને ઘરે બધાને વાત કરી હતી. માતા અને પિતાએ યુવકને બોલાવી ટપાર્યો હતો. જેથી બંને પક્ષે બોલાચાલી થઈ હતી. આ દરમ્યાન દોડીને સગીરા કંપનીની કોલોનીમાં બીજા માળે જઈ ઉપરથી કૂદી ગઈ હતી અને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક