અમેરિકી
ટ્રેડ કોર્ટે આયાતકોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું, સુપ્રીમના આદેશમાં
રહેલી મુંજવણ દૂર થઈ
વોશિંગ્ટન,
તા. 5 : અમેરિકાની એક ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસનને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે આદેશ
કર્યો છે કે જે કંપનીઓએ ગયા મહિને સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલા ટેરિફની ચુકવણી
કરી છે તેવી કંપનીઓ વળતરની હકદાર છે. કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે એવા આયાતકોને
સંભવિત રીતે રિફંડ આપવાની શરૂઆત કરે જેઓએ એવા ટેરિફની ચુકવણી કરી છે જેને ગયા મહિને
સુપ્રીમ કોર્ટે ગેરકાનૂની ગણાવી હતી.
કોર્ટ
ફાઈલિંગ અનુસાર મેનહટ્ટનમાં યુએસ કોર્ટ ઓફ ઈન્ટરનેશનલ ટ્રેડના જજ રિચર્ડ ઈટને સરકારને
લાખો શિપમેન્ટ લાવવાની કિંમત ફાઈનલ કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટ અનુસાર કોર્ટ દ્વારા
વ્યાજ સાથે રિફંડ આપવા કહેવાયું છે. અમેરિકામાં જ્યારે કોઈ સામાન આયાત થાય છે ત્યારે
આયાતકાર શરૂઆતમાં અંદાજીત શુલ્ક જમા કરાવે છે. લગભગ 314 દિવસ બાદ શુલ્કને અંતિમ રૂપ
આપવામાં આવે છે. જેને લિક્વિડેશન કહેવામાં આવે છે. જજ ઈટને કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શનને
નિર્દેશ આપ્યો હતો કે શિપમેન્ટ્સની એન્ટ્રીને ટેરિફ વિના અંતિમ રૂપ આપવામાં આવે.
સુનાવણી
દરમિયાન જજે કહ્યું હતું કે આયાતકાર કોઈપણ ડયૂટીથી વધારે ચૂકવણી કરે છે તો કસ્ટમ્સ
દરરોજ રિફંડ જારી કરે છે. આ માટે સિસ્ટમને પ્રોગ્રામ કરીને રિફંડ આપવું સંભવ છે. ન્યાયાધીશે
વધુમાં કહ્યું હતું કે તેઓ માત્ર આઈઈઈપીએ શુલ્કના રિફંડ સંબંધિત મામલાની સુનાવણી કરશે.
આ નિર્ણય રિફંડ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા પ્રદાન કરે છે. જેનો સુપ્રીમ કોર્ટે 20 ફેબ્રુઆરીના
ચુકાદામાં ઉલ્લેખ કર્યો નહોતો.
ઉલ્લેખનીય
છે કે અમેરિકી સરકારે ટેરિફથી 130 બિલિયન ડોલરથી વધારેની કમાણી કરી છે. જો કે સુપ્રીમ
કોર્ટે ટેરિફને ગેરકાનૂની ગણાવતા આદેશમાં રિફંડને લઈને કોઈ સ્પષ્ટ નિર્દેશ આપ્યો નહોતો.
જેનાથી મુંજવણ પેદા થઈ રહી હતી. ટ્રેડ કોર્ટનો ઓર્ડર એટમસ ફિલ્ટ્રેશનના કેસમાં આવ્યો
હતો. જેણે અરજીમાં કહ્યું હતું કે કંપનીએ ગેરકાનૂની ટેરિફ તરીકે અંદાજીત 11 મિલિયન
ડોલરની ચુકવણી કરી હતી.