સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી લઇ
પોલીસ હવાલે કર્યો
અમદાવાદ, તા.19 : અમદાવાદના પોશ
ગણાતા શીલજ-રાંચરડા રોડ પર ગત રાત્રે દારૂના નશામાં ચૂર એક કારચાલકે માર્ગ પર આવતા
એક-બે નહીં પરંતુ કુલ 9 વાહનને અડફેટે લઈને નુકસાન પહોંચાડયું હતું. આ ઘટનાને પગલે
સ્થાનિક લોકોએ હિંમત દાખવી કારચાલકને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.
રવિવારે મોડી રાત્રે એક લક્ઝરી
કારના ચાલક નિતિન શાહે સ્ટેયારિંગ પરનો કાબૂ ગુમાવી દેતા રસ્તાના કિનારે ઉભેલા અને
પસાર થતા 9 વાહનને અડફેટે લીધા હતા. દારૂના નશામાં ધૂત કારચાલક અકસ્માત સજીર્ને ભાગવાનો
પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ લોકોએ તેને ઘેરી લીધો હતો અને તેને પકડીને મેથીપાક ચખાડયો
હતો. બાદમાં કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોલીસને જાણ કરી હતી. આ ભયાનક અકસ્માતમાં કોઈ
જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે રોષે ભરાયેલા લોકોના ટોળામાંથી નીતિન શાહને છોડાવી તેની અટકાયત કરી હતી. પોલીસ
તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ જ ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું જણાયું હતું. પોલીસે
કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને બ્લડ સેમ્પલ અને અન્ય તપાસ માટે હોસ્પિટલ ખસેડયો હતો.