• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

ચાંદીની તેજી પૂરપાટ : ભાવ 3 લાખને પાર


વિશ્વ બજારમાં 100 ડોલર તરફ ધસી રહેલી ચાંદી : 2026માં 30%ની તાતિંગ તેજી

રાજકોટ, તા.19: (ફૂલછાબ ન્યૂઝ) 2025માં દોઢસો ટકાની વિક્રમી તેજી થયા પછી 2026માં તેજી રોકાશે એવી ધારણા ખોટી ઠરી છે. કારણ કે વર્ષના પહેલા 19 દિવસમાં જ ચાંદીએ 30 ટકાની તેજી નોંધાવીને નવો રેકોર્ડ બનાવી લીધો છે. વિશ્વ બજારમાં ચાંદી 100 ડોલર થવા થનગની રહી છે. જોકે ભારતમાં રૂ. 3 લાખનું મથાળું સર કરી લીધું છે. એમસીએક્સમાં સોનાનો ભાવ એક કિલો દીઠ રૂ.3,04,200 થઇ ગયો હતો. જે ચાંદી માટે નવું સિમાચિહ્ન છે. વિશ્વ બજારમાં 94.21 ડોલરનું નવું ટોપ બનાવી આવ્યા પછી 93 ડોલરના મથાળે ચાંદી રનીંગ હતી. ભૂરાજાકિય અસ્થિરતાના માહોલમાં ચાંદીમાં માગના વલણ બદલાઇ ગયા છે પરિણામે તેજી અફાટ અને અવિરત છે. ગ્રીનલેન્ડ પરના વિવાદમાં યુએસ

પ્રમુખ ડોનાલ્ડ  ટ્રમ્પ દ્વારા કેટલાક યુરોપિયન દેશો પર વધારાના ટેરિફની ચેતવણી આપ્યા બાદ સલામત સ્થળે ફ્લાઇટ મોકલવાને કારણે સોમવારે ચાંદીની તેજીને પવન મળ્યો હતો. ટ્રમ્પે શનિવારે ઘણા યુરોપિયન સાથી દેશોને શ્રેણીબદ્ધ ટેરિફ વધારવાની ધમકી આપી હતી. આમ ભૂરાજાકિય અને આર્થિક વિવાદનો વંટોળ ફરીથી ફેલાયો છે. ગ્રીનલેન્ડના વિવાદને લીધે ડેનમાર્કના વિશાળ આર્કટિક ટાપુ પરનો વિવાદ વધુ તીવ્ર બન્યો છે. ફંડો અને મોટાં રોકાણકારોને સ્થિતિ ડહોળાતી દેખાતા સલામત ગણાતી ચાંદીમા લાવ લાવ થઇ ગઇ છે. વિશ્વ બજારમાં આક્રમક તેજીને પગલે ભારતીય બજારમાં પણ તેજીએ માઝા મૂકી છે. એમસીએક્સમાં ભાવ રૂ. 3,04,200ના ટોપ પર પહોંચ્યો હતો. એક જ દિવસમાં રૂ. 15,938ની તેજી આવી ગઇ હતી. જોકે રાજકોટની બજારમાં માગ નહીવત હોવાથી ડિસ્કાઉન્ટમાં મળે છે. એમસીએક્સ કરતા રૂ. 18 હજાર ડિસ્કાઉન્ટમાં રૂ. 2,85,000માં વેચાય છે. અલબત્ત, ગ્રાહકો ખરીદવા કે વેંચવા માટે પણ આવતા નથી તેવો વસવસો ઝવેરીઓ વ્યક્ત કરે છે.

ચાંદીની ટક્કર : સોનું માત્ર 8 ટકા વધ્યું !

સોનાની પાછળ ચાંદીમાં તેજી આવતી એ હવે ભૂતકાળ બની ગયો છે કારણ કે ચાંદી પાછળ સોનું ચાલી રહ્યું હોય એવી જોરદાર તેજી છે. જાન્યુઆરીમાં ચાંદી 30 ટકા વધી છે અને સોનું માત્ર 8 ટકા વધી શક્યું છે. વિશ્વ બજારમાં સોનું 4683 ડોલરની વિક્રમી ઉંચાઇએ જઇ આવ્યું છે. જે મહિનાના આરંભે 4312 ડોલર હતુ. રાજકોટમાં સોનાનો ભાવ રૂ. 2300 વધીને રૂ. 1,47,700 હતો. મહિનાના આરંભે રૂ. 1,37,500 હતો.

ઇ-પેપરના નવા શુલ્ક