(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,તા.19 : અમદાવાદના ઘાટલોડિયા
વિસ્તારમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી ઘટના બનતા ચકચાર મચી છે. જેમાં ધોરણ 10 ના એક વિદ્યાર્થીએ
બીજા વિદ્યાર્થી પર સ્કૂલની બહાર ચાકુ વડે હુમલો કરીને ઘા માર્યા છે. અગાઉની અદાવતમાં
વિદ્યાર્થીએ ચાકુના ઘા માર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આ ઘટનાની તપાસ શરૂ
કરી છે.
મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા
સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે
બોલાચાલી બાદ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો અને તે વાત યાદ રાખીને આજે એક વિદ્યાર્થીએ
બીજા વિદ્યાર્થી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જો કે આ વિદ્યાર્થીને ઘા વાગતા તેને
તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો અને સારવાર આપવામાં આવી હતી.
ડીઇઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતુ
કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળ્યા પછી તેના પર હુમલો કરવામાં આવ્યો
હતો. હુમલો ધોરણ 10ના વિદ્યાર્થી પર થયો છે પણ હુમલો કરનાર કોઈ બહારનું હતું તેઓ શાળાના
વિદ્યાર્થી ન હતા.
પોલીસે પણ આ અંગે સીસીટીવી ફૂટેજના
આધારે તપાસ શરૂ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિદ્યાર્થીને માથાના અને ગાળાના ભાગે
ઇજા થઈ છે અને સારવાર કરાવીને તેને રજા આપી દેવાઈ છે. આ કોઈ અંગત અદાવતમાં કર્યું હોઈ
શકે છે. આ બાબતે સ્કૂલ સંચાલક પાસેથી વધુ વિગતો મંગાવીને આગળની તપાસ હાથ ધરાઇ છે.
નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થી પર
થયેલા હુમલાની ઘટનાને મામલે રાજ્યના શિક્ષણમંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ઘટના અંગે નોંધ
લીધી છે અને સમગ્ર કેસની વિગત મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી છે. શિક્ષણમંત્રીએ અમદાવાદ
જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઇઓ) પાસે નેશનલ સ્કૂલમાં બનેલી હુમલાની ઘટનાની સંપૂર્ણ વિગતો
માગી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ બાદ વિદ્યાર્થી પર હુમલાની આ બીજી ગંભીર ઘટના સામે
આવતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.
નોંધનીય છે કે ગત 19 ઓગસ્ટ
2025ના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક ગંભીર ઘટના સામે
આવી હતી. સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ તેના જ ધોરણના બીજા વિદ્યાર્થીને
બોક્સ કટર વડે હુમલો કરીને હત્યા કરી હતી.