45 વર્ષીય
વિનસ વિલિયમ્સની સંઘર્ષ પછી હાર
મેલબોર્ન,
તા.18: વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપનના પુરુષ અને મહિલા
વિભાગના નંબર વન ખેલાડી કાર્લોસ અલકરાજ અને આર્યના સબાલેંકાએ શાનદાર વિજય સાથે શરૂઆત
કરી છે જ્યારે 4પ વર્ષીય વિનસ વિલિયમ્સ સંઘર્ષ પછી પહેલા રાઉન્ડમાં હારીને બહાર થઈ
છે.
સ્પેનના
નંબર વન ખેલાડી કાર્લોસ અલકરાજનો પહેલા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી એડમ વેલટોન વિરુદ્ધ
6-3, 7-6 અને 6-2થી વિજય થયો હતો અને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી જ્યારે મહિલા
વિભાગના સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં બેલારૂસની નંબર વન આર્યના સબાલેંકાએ ફ્રેંચ ખેલાડી
ટીનલોઆને 6-4 અને 6-1થી હાર આપી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. મહિલા સિંગલ્સના
અન્ય એક મેચમાં અમેરિકી ખેલાડી વિનસ વિલિયમ્સ સર્બિયાની ઓલ્ગા ડેનેલોવિચ સામે 7-6,
3-6 અને 4-6થી હારીને ઓસ્ટ્રેલિયન ઓપનની બહાર થઈ હતી.
મેન્સ
સિંગલ્સમાં ત્રીજા ક્રમનો જર્મન ખેલાડી એલેક્ઝાંડર જેવરેવ ગ્રેબિયલ ડિયાલોને 6-7,
6-1, 6-4 અને 6-2થી હાર આપી બીજા રાઉન્ડમાં પહોંચ્યો છે. મહિલા વર્ગમાં સાતમા ક્રમની
જેસ્મીન પાઓલિનીનો ઇટાલીની ખેલાડી સામે બે સીધા સેટમાં વિજય થયો હતો જ્યારે એલિના સ્વિતોલિના
ક્રિસ્ટીના બુકસાને 6-4 અને 6-1થી હાર આપી આગળ વધી છે. યુવા ખેલાડી મારિયા સકારી પણ
બીજા રાઉન્ડમાં પહોંચી છે. બ્રિટનની એમ્મા રાડુકાનુ પણ જીત સાથે આગળ વધી છે.