• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

નોબેલ ન મળ્યો, હવે શાંતિની જવાબદારી નહીં : ટ્રમ્પ

નોર્વેના વડાપ્રધાનને ટ્રમ્પે લખેલો પત્ર થયો લીક : નોબેલ શાંતિ પુરસ્કાર માટેની ઘેલછા નવી ઊંચાઈએ પહેંચી : ગ્રીનલેન્ડ ઉપર કબજાનો વિચાર પણ નોબેલ ન મળવાની હતાશા

નવી દિલ્હી, તા. 19 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નોબેલ શાંતિ પુરસ્કારનું ગાંડપણ હવે નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. આ વખતના નોબેલ વિજેતા મચાડોએ ભલે પોતાનો નોબેલ પુરસ્કાર ટ્રમ્પને સોંપી દીધો હોવા છતાં પણ ટ્રમ્પનો નોર્વેની નોબેલ સમિતિ ઉપરનો ગુસ્સો ઓછો થયો નથી. તેમણે નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોરેને પત્ર લખીને કહી દીધું છે કે તેઓને નોબેલ પુરસ્કાર મળ્યો ન હોવાથી હવે શાંતિ અંગે વિચારવાની જવાબદારી તેમની નથી. ટ્રમ્પે સ્વીકાર કર્યો છે કે ગ્રીનલેન્ડ ઉપર કબજો કરવાની કોશિશ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાની હતાશા સાથે સંબંધિત છે. આ જાણકારી પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસ તરફથી આપવામાં આવી છે.

પત્રમાં ટ્રમ્પે સંકેત આપ્યો છે કે નોબેલ પુરસ્કાર ન મળ્યા બાદ વૈશ્વિક મામલાને જોવાનો દૃષ્ટિકોણ બદલી ગયો છે. તેમણે લખ્યું હતું કે, આઠથી વધારે યુદ્ધ રોકાવવા છતાં પણ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો નથી. જેનાં કારણે હવે શાંતિ અંગે વિચારવાની કોઈ જવાબદારી અનુભવાતી નથી. જો કે શાંતિ હંમેશાં પ્રમુખ રહેશે પણ હવે તેઓ અમેરિકા માટે શું યોગ્ય છે તે પણ વિચારી શકશે. ટ્રમ્પે પત્રમાં કહ્યું છે કે, શાંતિની દિશામાં મોટા કામ કરવા છતાં પણ નોબેલ પુરસ્કાર મળ્યો નથી તો હવે તેઓ ગ્રીનલેન્ડ ઉપર અમેરિકી કબજાની દિશામાં મોટું પગલું ભરી શકે છે.

ગ્રીનલેન્ડ ડેનમાર્કનો સ્વાયત વિસ્તાર છે પણ ટ્રમ્પે આવા દાવાને માનવાનો ઈનકાર કર્યો છે અને તર્ક આપ્યો છે કે ડેનમાર્ક રશિયા કે ચીનથી આ દ્વીપની રક્ષા કરી શકે તેમ નથી. ટ્રમ્પે કહ્યું છે કે ડેનમાર્ક ગ્રીનલેન્ડને સુરક્ષિત રાખી શકે તેમ ન હોય તો માલિકી હક કેમ છે ? કોઈ લેખિત દસ્તાવેજ નથી, માત્ર એટલું છે કે સેંકડો વર્ષ પહેલાં એક હોડી ગ્રીનલેન્ડ પહોંચી હતી. જો કે અમેરિકાની બોટ પણ ગ્રીનલેન્ડ પહોંચી હતી.

નોર્વેના વડાપ્રકાન સ્ટોરે સ્થાનિક અખબારને પુષ્ટિ કરી છે કે ટ્રમ્પનો સંદેશ મળ્યો છે. તેમણે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ્બ સાથે મળીને ટ્રમ્પને એક પત્ર લખ્યો હતો. જેમાં નોર્વે, ફિનલેન્ડ સહિતના અન્ય દેશો ઉપર ટેરિફનો વિરોધ કર્યો હતો. આ પત્રના જવાબમાં ટ્રમ્પે નોબેલ માટેની ઘેલછા બતાવી હતી. સ્ટોરે કહ્યું હતું કે, તેઓ પુષ્ટિ કરે છે કે આ તમામ વાત ટ્રમ્પથી મળેલા પત્રમાં લખવામાં આવી છે.

 

હવે સમય આવી ગયો છે : ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની ધમકી

 

વોશિંગ્ટન, તા. 19 : વેનેઝુએલા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ગ્રીનલેન્ડ ઉપર છે. ટ્રમ્પ વારંવાર ગ્રીનલેન્ડ ઉપર કબજો કરવાની ધમકી આપી રહ્યા છે અને હવે ગ્રીનલેન્ડ ઉપરથી રશિયાનાં જોખમને હટાવવાનો સંકલ્પ લઈ લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટમાં કહ્યું હતું કે, ડેનમાર્ક લાંબા સમયથી રશિયાનાં જોખમને ગ્રીનલેન્ડ ઉપરથી દૂર કરવાની કોશિશ કરી રહ્યું છે. હવે સમય આવી ગયો છે કે આ કોશિશને સફળ બનાવવામાં આવે.

ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ ઉપર લખ્યું હતું કે નાટો છેલ્લાં 20 વર્ષથી ડેનમાર્કને કહી રહ્યું છે કે, રશિયાનાં જોખમને ગ્રીનલેન્ડ ઉપરથી દૂર કરવું પડશે. દુર્ભાગ્યથી ડેનમાર્ક અત્યાર સુધીમાં કંઈ કરી શક્યું નથી. હવે સમય આવી ગયો છે કે જરૂરી

કાર્યવાહી કરવામાં આવે. વ્હાઇટ હાઉસથી લઈને ડેનિશ પ્રેસિડેન્સી, યુરોપિયન યુનિયન અને ડેનમાર્કના વિદેશ મંત્રાલય દ્વારા અત્યાર સુધીમાં ટ્રમ્પના નિવેદન ઉપર મૌન રાખ્યું છે. ટ્રમ્પે વારંવાર ગ્રીનલેન્ડ ઉપર માલિકી હક બતાવી ચૂક્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક