આરબ રાષ્ટ્રપતિ નાહ્યાન અને મોદી વચ્ચે બેઠકમાં અવકાશ, સંરક્ષણ રોકાણ સહિત ક્ષેત્રોમાં સહયોગના કરાર
નવી દિલ્હી, તા. 19 : ગુજરાત રાજ્યનાં ધોલેરામાં વિશેષ રોકાણક્ષેત્ર (સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રિજાન)ના વિકાસમાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સહયોગ આપશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદઅલ નાહયાન વચ્ચે સોમવારે પોણા બે કલાક ચાલેલી બેઠક દરમ્યાન બન્ને દેશ વચ્ચે કેટલાક મહત્વના સમજૂતી કરાર થયા હતા.
ખાસ મોદીને મળવા માટે અબુધાબીથી ત્રણ કલાકનું અંતર કાપીને નાહયાન દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સોશિયલ મીડિયા ઉપર કહ્યું હતું કે, તેઓ પોતાના ભાઇને લેવા પહોંચ્યા છે.
બેઠક દરમિયાન બન્ને દેશો વચ્ચે સંરક્ષણ, અવકાશ અને રોકાણ જેવા મહત્વના ક્ષેત્રમાં સહયોગ વધુ આગળ વધારવા પર નક્કર સહમતી સધાઈ હતી.
ગુજરાતનાં ધોલેરાના વિશેષ રોકાણ ક્ષેત્રમાં આરબ દેશની ભાગીદારી હેઠળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પાયલોટ, ટ્રેનિંગ સ્કૂલ, વિમાન સમારકામ સુવિધા, નવું બંદર, સ્માર્ટ સિટી, રેલવે કનેક્ટિવિટી અને ઊર્જા સાથે જોડાયેલી અનેક પરિયોજના સામેલ કરાશે. અવકાશ ક્ષેત્રે ભારતનાં ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર અનેયુએઈની અવકાશ એજન્સી વચ્ચે અવકાશની માળખાંગત સુવિધાઓના વિકાસ અને તેના વ્યવસાયિક ઉપયોગ માટે એક સંયુક્ત પહેલ છેડવા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા.
આ મહત્વાકાંક્ષી પહેલ હેઠળ નવા લોન્ચ કોમ્પ્લેક્સ, ઉપગ્રહ બનાવવાની સુવિધાઓ, સહિયારા અવકાશ મિશન, સ્પેસ એકેડમી અને ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવાની કવાયત કરાશે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, ભારત અને યુએઈ વચ્ચે રણનીતિક સંરક્ષણ ભાગીદારીને મજબુત બનાવવા માટે એક ‘ફ્રેમવર્ક’ સમજૂતીની દિશામાં કાિમ કરવા પર સહમતી સાધતાં બન્ને દેશોએ લેટર ઓફ ઈન્ટેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા.
ખાસ ઉલ્લેખનીય છે કે, અબુધાબીથી દિલ્હીની ઉડાનમાં ત્રણ કલાકથી વધુ સમય લાગે છે. એ જોતાં વડાપ્રધાન મોદી સાથે દોઢ કલાકની મુલાકાત માટે યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને છ કલાકથી વધુ સમય સુધી યાત્રા કરી ઈહતી.
નવી દિલ્હીમાં ઉતરાણથી માંડીને પરત અબુધાબી માટે ઉડાન ભરવા સુધી રાષ્ટ્રપતિ નાહયાન કુલ્લ એક કલાક 45 મિનિટ ભારતમાં રહ્યા હતા.