• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

ગુજરાત ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, સૌરાષ્ટ્ર-રાજકોટનું કદ વધ્યું !


 

79 કારોબારી અને 26 વિશેષ સભ્યોની નિમણૂક : રાજકોટમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, ભાજપ જૂના અગ્રણી ધનસુખ ભંડેરી, કશ્યપ શુક્લ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી અને રાજુભાઈ ધ્રુવને નવી ટીમમાં સ્થાન મળ્યું

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ,તા.19 : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારાસંગઠનને વધુ મજબૂત અને વેગવંતું બનાવવાના ભાગરૂપે આજરોજ પ્રદેશ સંગઠનના નવા માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ અને ખાસ કરીને રાજકોટને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્માએ પક્ષના બંધારણીય માળખા મુજબ પ્રદેશ કારોબારી સભ્યો અને વિશેષ આમંત્રિત સભ્યોની નિમણૂક કરી છે. આ નવી ટીમમાં રાજ્યભરમાંથી અનુભવી અને યુવા ચહેરાઓનો સમન્વય સાધવામાં આવ્યો છે, જેમાં 4 મહિલા સહિત કુલ 79 પ્રદેશ કારોબારી સભ્યો અને 26 વિશેષ આમંત્રિત સભ્યોનો સમાવેશ થાય છે.  ખાસ કરીને સુરત, રાજકોટ, વડોદરા અને  અમદાવાદ (કર્ણાવતી) જેવા મહાનગરોમાંથી પક્ષના વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.

સુરત શહેરમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને હેમાલીબેન બોઘાવાલાને સ્થાન મળ્યું છે. રાજકોટના રાજકારણમાં જેમનું મોટું નામ છે તેવા ભાનુબેન બાબરીયા અને ધનસુખભાઈ ભંડેરીને કારોબારીમાં સમાવાયા છે. જ્યારે કર્ણાવતી (અમદાવાદ) માંથી યુવા નેતા ડૉ. ઋત્વિજ પટેલ, પૂર્વ મેયર ગૌતમભાઈ શાહ અને બિજલબેન પટેલ જેવા અનુભવી ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાંથી જયરાજાસિંહ પરમાર અને નીતિનભાઈ પટેલ, જ્યારે મધ્ય-દક્ષિણ ગુજરાતમાંથી નિમીષાબેન સુથાર અને હર્ષદભાઈ વસાવા જેવા અગ્રણીઓને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ગાંધીનગરથી દુષ્યંતભાઈ પંડ્યા અને અનિતાબેન પરમારને પણ મહત્વની જવાબદારી સોંપાઈ છે. પક્ષે આ નવી ટીમ દ્વારા આગામી રાજકીય પડકારો અને ચૂંટણીલક્ષી રણનીતિને ધ્યાનમાં રાખીને સંગઠનને ચુસ્ત બનાવવાનો સંકેત આપ્યો છે.

 

વિશેષ આમંત્રિતોમાં વજુભાઈ વાળા, રૂપાલા, આર.સી. ફળદુ વગેરે સામેલ

વિશેષ આમંત્રિતોમાં સૌરાષ્ટ્ર-કચ્છના જોઇએ તો, વજુભાઇ વાળા (રાજકોટ શહેર), રાજેન્દ્રાસિંહ રાણા, (ભાવનગર શહેર), પરશોત્તમભાઇ રૂપાલા (અમરેલી), આર.સી.ફળદુ (જામનગર જિલ્લો), આઇ.કે.જાડેજા (સુરેન્દ્રનગર), દિલીપભાઇ સાંઘાણી (અમરેલી), ચિમનભાઇ સાપરિયા (જામનગર જિલ્લો), ઝવેરીભાઇ ઠકરાર (ગીરસોમનાથ), ગાલિંદભાઇ પટેલ (રાજકોટ શહેર), અરજણભાઇ રબારી (કચ્છ), પ્રદીપભાઇ ખીમાણી (જૂનાગઢ શહેર)નો સમાવેશ થાય છે.

 

સૌરાષ્ટ્રમાંથી કોને સ્થાન મળ્યું ?

પ્રદેશ કારોબારીમાં સૌરાષ્ટ્રના સભ્યો જોઇએ તો, ભાનુબેન બાબરિયા (રાજકોટ શહેર), ડો.દિપીકાબેન સરડવા (મોરબી), ધવલભાઇ દવે (ભાવનગર), બ્રિજરાજાસિંહ ઝાલા (બોટાદ), હિંમતભાઇ પડસાળા (ગીરસોમનાથ), ભાજપના જૂના અગ્રણી ધનસુખભાઇ ભંડેરી અને કશ્યપભાઇ શુક્લ (રાજકોટ શહેર), અભયાસિંહ ચૌહાણ (ભાવનગર શહેર), મહેન્દ્રભાઇ પીઠીયા (ગીર સોમનાથ), વિમલભાઇ કગથરા (જામનગર શહેર), પુનિતભાઇ શર્મા (જૂનાગઢ શહેર), કિરીટભાઇ પટેલ (જૂનાગઢ જિલ્લો), કમલેશભાઇ મિરાણી (રાજકોટ શહેર), દિલીપભાઇ એમ. પટેલ (સુરેન્દ્રનગર), અરાવિંદભાઇ રૈયાણી અને રાજુભાઇ ધ્રુવ (રાજકોટ શહેર), દિલીપભાઇ બારડ (ગીર સોમનાથ), ચંદ્રેશભાઇ હેરમા (જૂનાગઢ શહેર), દિલીપાસિંહ ડી. ચુડાસમા (જામનગર જિલ્લો), શ્રીમતી ભાવનાબેન હીરપરા (જૂનાગઢ જિલ્લો), શ્રીમતી જીજ્ઞાબેન પંડ્યા (સુરેન્દ્રનગર)નો સમાવેશ થાય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક