• મંગળવાર, 20 જાન્યુઆરી, 2026

અમેરિકા ઉપર યુરોપ લાદશે 93 બિલિયન યુરોનો ટેરિફ

ટ્રમ્પના ગ્રીનલેન્ડ ટેરિફનો જવાબ આપવા વિચાર : અમેરિકી કંપનીઓને યુરોપિયન બજારમાંથી બહાર કરવા પણ ચર્ચા : આગામી દિવસોમાં થશે વધુ એક મહત્ત્વની બેઠક

બ્રુસેલ્સ, તા. 19 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ગ્રીનલેન્ડ ઉપર હક બતાવી રહ્યા છે.  ડેનમાર્કના ક્ષેત્ર મુદ્દે ટ્રમ્પ કહી રહ્યા છે કે ગ્રીનલેન્ડ ઉપર માલિકી હક સિવાય અન્ય કોઈપણ બાબતથી તેઓ રાજી થશે નહીં. વધુમાં ધમકી આપી હતી કે જો ગ્રીનલેન્ડ મુદ્દે કોઈ સમજૂતી નહીં થાય તો પહેલી ફેબ્રુઆરીથી ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ અને બ્રિટનથી આવતા સામાન ઉપર વધારાનો ટેરિફ લાદવામાં આવશે. ફેબ્રઆરીથી 10 ટકા ટેરિફ લાદશે, જે 1 જૂનથી 25 ટકા થઈ જશે. જો કે ટ્રમ્પની ધમકીઓ ઉપર યુરોપ પણ સક્રિય થયું છે અને અમેરિકા ઉપર 93 અબજ યુરો સુધીનો ટેરિફ તેમજ અમેરિકી કંપનીઓને યુરોપિયન બજારમાંથી બહાર કરવા સુધીની તૈયારી કરવામાં આવી છે.

ટ્રમ્પની ધમકી બાદ યુરોપના રાજદૂતોની રવિવારે બેલ્જિયમની રાજધાની બ્રૂસેલ્સમાં એક ઇમર્જન્સી બેઠક થઈ હતી. આ બેઠકમાં જર્મની અને ફ્રાન્સ સહિતના દેશોએ ટ્રમ્પની ધમકીઓની નિંદા કરી હતી અને હકરતો બ્લેકમેઇલ કરવા જેવી હોવાનું કહ્યું હતું. બેઠકમાં ફ્રાન્સે ટ્રમ્પની ટેરિફની ધમકીના જવાબમાં પગલાં લેવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. રિપોર્ટ અનુસાર યુરોપિયન દેશ અમેરિકા ઉપર 93 અબજ યુરો સુધીનો ટેરિફ લગાડવા અથવા તો અમેરિકી કંપનીઓને યુરોપિયન બજારમાંથી બહાર કરવા જેવાં પગલાં ભરવા વિચાર કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ ચાલુ અઠવાડીયે જ દાવોસમાં થનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ટ્રમ્પ ઉપર દબાણ લાવવા માટે યુરોપિયન દેશ દ્વારા એક્શન મુદ્દે વિચાર કરવામાં આવશે.

બીજી તરફ અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુરોપીય સંઘના એક રાજદૂતે કહ્યું હતું કે ટ્રમ્પ ટેરિફના જવાબમાં ટેરિફ છ ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. આ મુદ્દે 22 જાન્યુઆરીના રોજ શિખર સંમેલન બોલાવવા ઉપર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે અન્ય એક રાજદૂતે કહ્યું હતું કે જવાબી કાર્યવાહીનો કોઈ વિચાર નથી. કૂટનીતિક રસ્તો શોધવામાં આવી રહ્યો છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ટ્રમ્પે ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા માટેના અભિયાનનો વિરોધ કરતા દેશો ઉપર ટેરિફની ધમકી આપી છે. ટ્રમ્પના નિશાને આઠ દેશ છે. આ દેશોએ ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે વધતા તણાવ દરમિયાન વિશાળ આર્કટિક ક્ષેત્રમાં પોતાના સૈનિકોની તૈનાતી પણ કરી દીધી છે.   

ઇ-પેપરના નવા શુલ્ક