ઇન્દોર,
તા.19: ભારત સામેની 3 મેચની વન ડે શ્રેણીમાં બે સદી અને એક અર્ધસદી કરનાર અને પ્લેયર
ઓફ ધ સિરીઝ બનનાર ન્યુઝીલેન્ડના અનુભવી બેટસમેન ડેરિલ મિચેલે તેની સફળતા શાંત મગજને
આભારી બતાવી હતી. ભારત ભૂમિ પર સ્પિનર સામે આક્રમક બેટિંગ વિશેના સવાલ પર મિચેલે જણાવ્યું
કે દબાણ વગર શાંત મગજથી બેટિંગ કરવું મહત્ત્વનું હતું. આક્રમક બેટિંગ મારી સ્વાભાવિક
શૈલિ છે. મિચેલે સ્વીકાર્યું કે જયાં સુધી કોહલી ક્રિઝ પર હતો ત્યાં સુધી અમારી ટીમ
દબાણમાં હતી. આ પરિસ્થિતિમાં અમારા યુવા ખેલાડીઓએ સારો સંયમ રાખ્યો અને વાપસી કરી મેચમાં
જીત મેળવી. મને ગર્વ છે કે અમારા યુવા ખેલાડીઓ દબાણની સ્થિતિમાં સંયમિત દેખાવ કરી શક્યા.
અમારા માટે આ વિજય ઘણો વિશેષ છે કારણ કે ભારતમાં અમારી આ પહેલી વન ડે શ્રેણી જીત છે.
અમે સ્વદેશ પરત ફરશું ત્યારે તમામના ચહેરા પર સ્મિત હશે. મિચેલે જણાવ્યું કે ભારતીય
ટીમને તેની જ ધરતી પર કોઇ પણ ફોર્મેટમાં હાર આપવી કઠિન છે. અમે આ કરી બતાવ્યું. આથી
આ વિજય વિશેષ બની રહેશે.