-બેઠક પૂર્વે કલેક્ટર સહિતના અધિકારીઓએ સ્થિતિ તપાસી
જૂનાગઢ,
તા.27 ઃ ગિરનારની લીલી પરિક્રમા આગામી દિવસોમાં યોજાનાર છે પરંતુ
આ વર્ષે અપૂરતા વરસાદને કારણે પરિક્રમા રૂટ ઉપર પીવાના પાણીની સમસ્યા પડકારરૂપ છે.
આ સ્થિતિ વચ્ચે આવતીકાલે જિલ્લા કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને સાધુ-સંતો,
ઉતારા અને અન્નક્ષેત્રોના સંચાલકો સાથે બેઠક
યોજાનાર છે તેમાં ઉપસ્થિતો વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરશે.
ગિરનાર પરિક્રમા આડે
હવે ત્રણ અઠવાડિયા રહ્યાં છે. અપૂરતા વરસાદને કારણે અને ગત વર્ષે પરિક્રમા ભારે વરસાદને
કારણે બંધ રહી હતી, તેથી આ વર્ષે ભાવિકોની
સંખ્યા વધે તેમ છે પરંતુ પરિક્રમા માર્ગ પર પીવાના પાણીની સમસ્યા તંત્ર માટે કસોટીરૂપ
હોય આ સ્થિતિની જાત માહિતી મેળવવા ગઈકાલે જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરી,
કમિશનર વાળા,
જિલ્લા પોલીસવડા તથા અન્ય અધિકારીઓએ પરિક્રમા
રૂટનું જાત નિરીક્ષણ કર્યું હતું.
પરિક્રમાના 36 કિ.મી.ના માર્ગમાં આ વર્ષે અપૂરતા વરસાદને કારણે રસ્તાઓ વધુ
ખરાબ થયા નથી તેથી રસ્તા રીપેરિંગની કામગીરી સરળ બની છે પરંતુ કુદરતી વહેણ સુકાયેલા
હોય તેથી પીવાનાં પાણીની સમસ્યા મુશ્કેલ બનશે. આ ઉપરાંત પરિક્રમા માર્ગ પર ત્રણ મુખ્ય
ઘોડી આવે છે તે સ્થળે રસ્તા પહોળા કરવા તેમજ પીવાનાં પાણી અને દવાની પૂરતી વ્યવસ્થા
કરવાની જરૂર રહેશે.
આ સ્થિતિ વચ્ચે આવતીકાલે
બપોરે એક કલાકે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીનાં અધ્યક્ષસ્થાને
સાધુ સંતો, ઉતારા અને અન્નક્ષેત્રોના
સંચાલકો સાથે મહત્ત્વની બેઠક યોજાનાર છે. તેમાં વહીવટી તંત્રને ઉપસ્થિતો વિવિધ સૂચનો
કરશે. તેમાં મુખ્યત્વે પીવાનાં પાણીનો પ્રશ્ન અને જાનવરો ભાવિકોને રંજાડે નહીં તેની
તકેદારી રાખવાની રહેશે.