(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર,
રાજકોટ, તા.29: ગુજરાતમાં ખરીફ પાકનો ડિજીટલ સરવે ચાલી રહ્યો છે. ચોમાસું પૂર્ણ થઈ
ચુક્યું છે. છતાં હજુ 61 ટકા જેટલી જ કામગીરી પૂરી થઈ છે. સરવેની કામગીરી ઘણી ધીમી
ચાલી રહી હોવાથી રાજ્ય સરકાર ચોંકી છે કારણ કે સપ્ટેમ્બર સુધીમાં કામગીરી પૂરી કરવાની
હતી પણ મહિનો પુરો થવા આવ્યો છે. સર્વે પુર્ણ ન થાય ત્યાં સુધી દુષ્કાળગ્રસ્ત જિલ્લા
કે તાલુકાની જાહેરાત કરવામાં પણ વિલંબ થઈ રહ્યો હોવાની ચર્ચા વધી છે. વરસાદ અનેક તાલુકાઓમાં
ઓછો થયો છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર થઈ ગયો છે પણ ગુજરાતમાં વિલંબ થવાને લીધે
ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
દુષ્કાળ
ઘોષિત કરવા માટેના અગત્યના માપદંડમાં ક્રોપ સર્વે કેન્દ્ર સ્થાને રહેતો હોય છે. સરકાર
અત્યારે હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જો કે, ઓછા વરસાદને કારણે પીવાના પાણીની
અગત્યતા પર વધુ ભાર મુકવામાં આવે છે અને છેલ્લા રાઉન્ડમાં જે વરસાદ થયો તેમાં ખેતીને
થોડો ફાયદો થયો છે પણ પીવાના પાણીની સ્થિતિ સુધરી નથી.
આવતીકાલે
મળનારી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં કૃષિ સર્વે અને પાણીની સ્થિતિ એમ બે વિષયને લઈને
ખાસ ચર્ચા કરવામાં આવશે તેમ જાણવા મળે છે. વરસાદની વિદાય પછી ગરમીનો માહોલ સર્જાયો
છે. તેને કારણે વાયરલ ઈન્ફેક્શન સાથે રોગચાળો પણ વધ્યો છે તેની ચર્ચા પણ થવાની છે.
ડિજીટલ
ક્રોપ સરવેના આંકડાઓ પ્રાપ્ત થયા છે તે પ્રમાણે સૌથી વધારે 84 ટકા જેટલી કામગીરી પૂરી થઈ ચુકી છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં અનુક્રમે
83 ટકા અને 80 ટકા કામગીરી થઈ છે. રાજકોટ જિલ્લામાં 77 ટકા, જૂનાગઢમાં 76 ટકા કામગીરી
થઈ છે. સૌથી ખરાબ સ્થિતિ મોરબી છે ત્યાં ફક્ત 33 ટકા કામગીરી પૂરી થઈ છે. ગાંધીનગરમાં
38 ટકા, કચ્છમાં 41 ટકા અને અમદાવાદ, સુરત, દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર બધે પચ્ચાસ
ટકા કરતા ઓછી કામગીરી થઈ છે.